• અહેવાલ અનુસાર નરેશ પટેલ ભાજપ તરફ સંપૂર્ણપણે ઝુકી ગયાનું તેમજ સંભવત આવતા સપ્તાહે પોતાનો આ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા
  • નિર્ણય પર આવતા અઠવાડિયે મંગળવાર કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો મળે છે
  • તાજેતરમાં નરેશ પટેલ તેના અમુક અંગત મિત્રો અને ટેકેદારો સાથે દિલ્‍હી – ગાંધીનગરમાં ડીનર ડિપ્‍લોમેસી કરી આવ્‍યા હોવાનું રાજકોટ ખાતે તેમના નજીકનાં વર્તુળોમાં ચર્ચા

WatchGujarat. ખોડલધામ ચેરમેનનાં રાજકારણમાં પ્રવેશ અંગે અગાઉ અનેક ચર્ચાઓ વહેતી થઈ ચૂકી છે. તો હવે નરેશ પટેલ ભગવો ધારણ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરનાં એક સ્થાનિક અખબારે પ્રસિદ્ધ કરેલા અહેવાલ અનુસાર નરેશ પટેલે પોતાના અત્યંત નજીકનાં થોડા લોકોને સાથે રાખી દિલ્હી-ગાંધીનગરમાં ભાજપનાં દિગગજ નેતાઓ સાથે ડિનર-ડિપ્લોમેસી કર્યાની ચર્ચા ચાલી રહી છે. અને આગામી સપ્તાહમાં તેઓ પોતાનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે. જો કે આ અંગે નરેશ પટેલ દ્વારા હજુસુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સ્થાનિક અખબારનાં અહેવાલ અનુસાર નરેશ પટેલ ભાજપ તરફ સંપૂર્ણપણે ઝુકી ગયાનું તેમજ સંભવત આવતા સપ્તાહે પોતાનો આ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. હાલ મોટા ભાગની ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને નિર્ણય પર આવતા અઠવાડિયે મંગળવાર કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો મળે છે. જેને લઈને આગામી ચૂંટણીમાં નરેશ પટેલ અને મિત્રો સરાજાહેર ભાજપની સાથે આવી જાય તે માટેનું પ્‍લેટફોર્મ તૈયાર થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે.

તાજેતરમાં નરેશ પટેલ તેના અમુક અંગત મિત્રો અને ટેકેદારો સાથે દિલ્‍હી – ગાંધીનગરમાં ડીનર ડિપ્‍લોમેસી કરી આવ્‍યા હોવાનું રાજકોટ ખાતે તેમના નજીકનાં વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે મીડિયા દ્વારા સમગ્ર મામલે સંપર્ક કરવાની અનેક કોશિશ છતાં તેમનો કોઈ સંપર્ક થયો નથી. અને તેઓ હાલ ગાંધીનગર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આપ તેમજ કોંગ્રેસને પણ ‘જોર કા ઝટકા બહુત જોર સે લગે’ તેવો ઘાટ ઘડાશે તે નિશ્ચિત છે.

રાજકીય નિષ્ણાતોનાં મતે નરેશ પટેલ માટે કોંગ્રેસ કે આપ તરફ જવું એ કારકિર્દી સહિતનું ઘણું બધું ગુમાવું પડે તે નિર્વિવાદ વાત છે. અને આમ પણ લેવા પાટીદાર સમાજમાં એવો સ્‍પષ્ટ બહુમત હોવાનું મનાઈ છે કે જો નરેશભાઈએ જવું હોય તો ભાજપમાં જાય અન્‍યથા સામાજિક રીતે તેમનું જે માન – સન્‍માન છે તે જાળવી રાખવા કોઈ પણ પક્ષ સાથે જોડાવું જોઈએ નહીં. જો કે રાજકારણમાં આવવાની નરેશ પટેલની ઈચ્છા હોય તેમણે સમાજનાં હિત માટે ભાજપ સાથે જોડાવા માટે નિર્ણય લઈ લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners