• સમિતિ આખરી રીપોર્ટ આપશે અને એ રીપોર્ટનાં અનુસંધાને જ પોતે રાજકારણમાં પ્રવેશ કરશે કે નહિ ? તે અંગે નિર્ણય લેશે – નરેશ પટેલ
  • આગામી દિવસોમાં નરેશ પટેલ અનેક જિલ્લાઓનો પ્રવાસ કરશે
  • હાલની ખોડલધામનાં ચેરમેન તરીકેની જવાબદારી કોઈપણ રાજકીય પાર્ટીનાં હોદાથી ઉતમ છે – નરેશ પટેલ

WatchGujarat. આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. જેને લઈને ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલનાં રાજકારણમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. અગાઉ નરેશ પટેલે તારીખ 20થી 30 માર્ચ સુધીમાં આ નિર્ણય જાહેર કરનાર હોવાનું જણાવ્યું હતું. જોકે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને નરેશ પટેલે વધુ એક તારીખ આપી છે. જેમાં પોતાનો આંતરિક સર્વે બાકી હોવાનું કારણ આપી હવે આ નિર્ણય 15 એપ્રિલ બાદ જાહેર કરવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે, આ પત્રકાર પરિષદ પૂર્વે ખોડલધામનાં ટ્રસ્ટીઓની એક બેઠક મળી હતી.

નરેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તેમનાં રાજકારણમાં જવાનાં નિર્ણય અંગે ખોડલધામની સર્વે સમિતિ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સમિતિ આખરી રીપોર્ટ આપશે અને એ રીપોર્ટનાં અનુસંધાને જ પોતે રાજકારણમાં પ્રવેશ કરશે કે નહિ ? તે અંગે નિર્ણય લેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હજુ આગામી દિવસોમાં પોતે ગુજરાતનાં દરેક જીલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે. જેમાં દરેક સમાજના યુવાનો-વડીલો તેમજ મહિલા આગેવાનોને મળીને મંતવ્યો એકઠા કરી રહ્યા છે. પરંતુ સમયના અભાવને લીધે પોતાનો આ પ્રવાસ અધુરો છે. અને આ પ્રવાસ પૂર્ણ કરવામાં સમય લાગી શકે એમ છે.

ખોડલધામની સર્વે સમિતિ ગુજરાતનાં ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે. પોતાની પ્રશાંત કિશોર સાથેની મુલાકાત અંગે નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, તેઓને વર્ષોથી ઓળખું છું અને મારે તેમની સાથે સારા સબંધ હોવાથી અનેક વખત વાતચીત થતી હોય છે. પરંતુ આ મામલે પ્રસાર માધ્યમોમાં વહેતી ખબરો ખોટી છે.

નરેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી મને મળેલા અંગત પ્રતિભાવો અને રીપોર્ટના આધારે મને ખાસ 2 પ્રકારના મંતવ્યો મળ્યા છે. જેમાં હાલની ખોડલધામનાં ચેરમેન તરીકેની જવાબદારી કોઈપણ રાજકીય પાર્ટીનાં હોદાથી ઉતમ છે. અને બીજું કે મારે દરેક સમાજનાં ઉત્થાન માટે રાજકારણમાં જોડાવું જરૂરી છે. નરેશ પટેલ રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે? તે પ્રશ્નનાં જવાબમાં પણ તેમણે સર્વે સમિતિનાં રીપોર્ટ નિર્ણય લેનાર હોવાનું કહ્યું હતું. જોકે આ સાથે પોતાના જીવનનું મુખ્ય ધ્યેય આરોગ્ય અને શિક્ષણ વિભાગનાં વિકાસ પર હોવાનું સૂચક નિવેદન પણ આપ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners