• વિધાનસભા ચૂંટણીને લઈને હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે રીતસર હોડ લગાવી રહ્યા છે
  • નરેશ પટેલ પોતે ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરશે
  • કોંગ્રેસમાં પાંચેક પદ એવા છે કે, જેના ઉપર કોઈ વ્યક્તિ મુકાય ત્યારે તેની અસર આખા રાજ્યમાં થતી હોય છે

WatchGujarat. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ખોડલધામ ચેરમેન અને પાટીદાર સમાજનાં આગેવાન નરેશ પટેલ પણ રાજકારણમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. આ અટકળો વચ્ચે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તે વાત લગભગ નિશ્ચિત છે. તેમજ તેઓને મોટું પદ આપવામાં આવે તેવી પણ શક્યતા છે.

હેમાંગ વસાવડાનાં જણાવ્યા મુજબ, પાટીદાર અગ્રણી નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાય તે લગભગ નિશ્ચિત છે. અને ખુદ નરેશ પટેલ પોતે ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરશે. કોંગ્રેસમાં પ્રવેશ સાથે તેઓને વજનદાર પદ આપવાની પણ ચર્ચા કોંગ્રેસમાં ચાલી રહી છે. કોંગ્રેસમાં પાંચેક પદ એવા છે કે, જેના ઉપર કોઈ વ્યક્તિ મુકાય ત્યારે તેની અસર આખા રાજ્યમાં થતી હોય છે. આ પૈકીનું કોઈ પદ નરેશ પટેલને મળે તેવી શક્યતા છે. જોકે સીએમ પદ અંગે હજુસુધી કોઈપણ નામ ફાઇનલ થયું નથી. અને નરેશ પટેલને CM પદ આપવા માટે હાલમાં કોઇ ચર્ચા થઇ નથી.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીને લઈને હાલમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે રીતસર હોડ લગાવી રહ્યા છે. નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજની આસ્થા નાં કેન્દ્ર એવા ખોડલધામનાં પ્રમુખ હોવાની સાથે સાથે પાટીદાર સમાજનાં અગ્રણી છે. ત્યારે તેઓ જે પાર્ટીમાં જોડાય તેને સૌરાષ્ટ્રના પાટીદારોનો સીધો સાથ મળશે. ત્યારે હાલ કોંગી નેતાના નિવેદન મુજબ નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાશે તો મોટી રાજકીય ઉથલપાથલ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. સુત્રોનું માનીએ તો આગામી 7 તારીખે રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા હોય ત્યારે અથવા વધુમાં વધુ 13 તારીખે ખુદ રાહુલ ગાંધી તેમને સીએમ પદનાં ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે.

Facebook Comments Box

Videos

Our Partners