• દરેક સમાજનાં ઉત્થાન માટે રાજકારણમાં જોડાવું જરૂરી છે
  • જીવનનું મુખ્ય ધ્યેય આરોગ્ય અને શિક્ષણ વિભાગનાં વિકાસ પર હોવાનું કહી આમ આદમી પાર્ટીની સાથે જોડાવાનો આડકતરો ઈશારો નરેશ પટેલે કર્યો
  • સ્વાભાવિક રીતે જ કોઈ પણ પડકાર વગર પોતાનું કદ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી સૌથી સરળ માર્ગ છે

WatchGujarat. ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલનાં કોઈ રાજકીય પાર્ટીનાં પ્રવેશને લઈને અટકળોનો દોર ચાલી રહ્યો છે. અગાઉ 20થી 30 માર્ચ સુધીમાં આ અંગેનો નિર્ણય જાહેર કરવાનું કહેનાર નરેશ પટેલે સરદારધામ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ સર્વે બાકી હોવાનું જણાવી નિર્ણય એપ્રિલનાં બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર કરવાનું કહ્યું હતું. જો કે આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નરેશ પટેલ પાક્કા રાજકારણીની માફક સિફતપૂર્વક પોતે કહેલી વાતથી પલટી મારી હતી. જેમાં ‘સરપંચથી લઈ સંસદ સુધી પાટીદાર હોવા જોઈએ’ તેવું કોઈપણ નિવેદન પોતે આપ્યું હોવાનો સાફ ઈન્કાર કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી મને મળેલા અંગત પ્રતિભાવો અને રીપોર્ટના આધારે મને ખાસ બે પ્રકારના મંતવ્યો મળ્યા છે. જેમાં હાલની ખોડલધામનાં ચેરમેન તરીકેની જવાબદારી કોઈપણ રાજકીય પાર્ટીનાં હોદાથી ઉતમ છે. અને બીજું કે મારે દરેક સમાજનાં ઉત્થાન માટે રાજકારણમાં જોડાવું જરૂરી છે. નરેશ પટેલ રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે? તે પ્રશ્નનાં જવાબમાં પણ તેમણે સર્વે સમિતિનાં રીપોર્ટ નિર્ણય લેનાર હોવાનું કહ્યું હતું. જોકે આ સાથે પોતાના જીવનનું મુખ્ય ધ્યેય આરોગ્ય અને શિક્ષણ વિભાગનાં વિકાસ પર હોવાનું કહી આમ આદમી પાર્ટીની સાથે જોડાવાનો આડકતરો ઈશારો પણ કર્યો હતો.

નરેશ પટેલે સ્વીકાર્યું તો છે કે તેમને રાજનીતિમાં જવું છે. ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ પણ પડકાર વગર પોતાનું કદ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી સૌથી સરળ માર્ગ છે. પરંતુ નરેશ પટેલના મનમાં ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટીમાં જવાની તૈયારી હોય તો જ આ પ્રકારના સર્વે અને લોકોને વારંવાર પૂછવાની વાત કરી રહ્યા છે. સમાજના અગ્રણીઓને મત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલને માત્ર પોતાની છબી ખવડાવવાની બીકે જ આ પ્રકારની સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે. નરેશ પટેલ પોતે કેશુબાપા જેવી રાજકીય સ્થિતિ પોતાની ન થાય તે બાબતે સજાગ થઇને એક ચતુર રણનીતિકાર અને રાજકીય નેતાઓની માફક આગળ વધી રહ્યા છે. કેમકે તેઓ સારી રીતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટીની સામે પડવું એ એક પ્રકારે રાજકીય સુસાઇડ બની રહેશે.

નરેશ પટેલ ખોડલધામ નહીં પ્રશાંત કિશોરનાં સર્વેની રાહ જોતા હોવાની ચર્ચા

લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીનાં કેમ્પેઈનની જવાબદારી સંભાળનાર પ્રશાંત કિશોર કોંગ્રેસનો ‘હાથ’ પકકડવાનાં હોવાની ચર્ચા છે. આ માટે તેમની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ગ્રાઉન્ડ લેવલ પર સર્વે કરવામાં આવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો આ સર્વે ટીમ દ્વારા નરેશ પટેલને લઈ પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. અને નરેશભાઈ રાજકારણમાં આવે તો તેની કેવી અસર પડી શકે, અને પાટીદારો નરેશ પટેલને કેટલો ટેકો આપે તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. નરેશ પટેલ પોતે પણ આ સર્વેનાં રિપોર્ટની રાહ જોતા હોવાનું તેમના નજીકનાં વર્તુળો જણાવી રહ્યા છે. ખોડલધામ સમિતિ દ્વારા આ પ્રકારનાં સર્વે માટેનાં કોઈ ફોર્મ જ નહીં હોવાની વાતો પણ ખોડલધામની નજીકનાં સૂત્રોમાં ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભૂમિકા મમતા સાથેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી હતી. મમતા બેનરજીની જીત પાછળ રાજકીય રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરે મોટું યોગદાન આપ્યું હતું. ગુજરાતના વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર પ્રશાંત કિશોર પોતાની રણનીતિકાર તરીકેની ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે. ભાજપ સામે લડવુ હોય તો એક ચોક્કસ રણનીતિ ના આધારે જ લડવું પડે તેવી સ્થિતિ છે. કારણ ગુજરાતમાં એક તરફ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને બીજી તરફ નબળું કોંગ્રેસનું સંગઠન અને નવી આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ માટે પડકાર છે.

Facebook Comments Box

Videos

Our Partners