• મહાનગરપાલિકા કચેરી ખાતર આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં પોલીસી મંજૂર કરવા દરખાસ્ત આવી
  • મનપા હાલ ટ્રાફિક-ટ્રાન્સપોર્ટ તેમજ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા અલગથી ધરાવે છે
  • નવી પાર્કિંગ પોલીસી આવતા રાજમાર્ગો પર પે એન્ડ પાર્કિંગ નાબુદ કરાશે

WatchGujarat. કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી જાહેર કરવામાં આવી હતી. જેમાં શેરી-મહોલ્લા-ઘરઆંગણે વાહન પાર્કિંગ કરવા ફી વસુલવા દરખાસ્ત કરાઈ હતી. જો કે આ મુદ્દે ભારે લોકરોષ જોવા મળ્યો હતો. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકોએ ઘરઆંગણે પાર્કિંગ ફી વસુલવાની અમલવારી કરવાની હિંમત કરી નથી. અને ફેરફાર સાથેની પાર્કિંગ પોલીસીને બહાલી આપવામાં આવી છે.

મહાનગરપાલિકા કચેરી ખાતર આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ પોલીસી મંજૂર કરવા દરખાસ્ત આવી હતી. આ સંબંધે ચેરમેન પુષ્કર પટેલે સતાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે, નવી પોલીસીમાં શેરી-ગલ્લી, મહોલ્લામાં પાર્કિંગ ફીની જોગવાઇ નામંજૂર કરવામાં આવી છે. જોકે સુપ્રિમ કોર્ટનો આદેશ હોવાથી કેટલાક સુધારા સાથે લોકોને વધુ ભારણ ન થાય અને સગવડ વધે તે માટે નવી પાર્કિંગ પોલીસીને મંજૂરી અપાઇ છે. મનપા હાલ ટ્રાફિક-ટ્રાન્સપોર્ટ તેમજ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા અલગથી ધરાવે છે. જેથી પાર્કિંગ પોલીસીમાં અલગથી ટ્રાફિક સેલ બનાવવાની જોગવાઇની ખાસ કોઈ જરૂરિયાત નહીં હોવાનું કહી આ જોગવાઈ પણ રદ્દ કરવામાં આવી હોવાનું સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે જ જણાવ્યું છે.

કોર્પોરેશનની નવી પાર્કિંગ પોલીસીની અમલવારીમાં મનપાની એસ્ટેટ શાખા, જગ્યા રોકાણ શાખા, સિટી ટ્રાફિક પોલીસ, ટ્રાફિક એન્જિનીયરીંગ, સિટી પ્લાનીંગ, રિજીયોનલ ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને કરવામા આવશે. જરૂર પડ્યે નાગરીક સમિતિ બનાવીને તેમના સુચનો પણ લેવાશે. શહેરના 48 રાજમાર્ગો ઉપરાંત નો-પાર્કિંગ ઝોન કે જાહેર વાહન વ્યવહારને અડચણ થાય એ રીતે વાહન પાર્કિંગ થયુ હશે તો આ માટેનો દંડ વસુલવાની સતા સંપુર્ણપણે ટ્રાફિક પોલીસને રહેશે. આ પ્રકારની કોઈ સતા મનપા હસ્તક રહેશે નહીં.

નવી પાર્કિંગ પોલીસી આવતા રાજમાર્ગો પર પે એન્ડ પાર્કિંગ નાબુદ કરાશે. હાલ મનપાએ પે એન્ડ પાર્કિંગ માટે જે જગ્યા નક્કી કરી છે તેમા અમુક રાજમાર્ગો ઉપર પણ આવેલા છે. જે નાબુદ કરવામા આવશે. આ સાથે પાર્કિંગના હેતુ માટે જે પ્લોટ નક્કી થયા છે તેની માસિક પરમીટ(કોન્ટ્રાક્ટ) જુની જોગવાઇ મુજબ ચાલુ રહેશે. ઉપરાંત શહેરમાં હાલ જે જગ્યાએ ઓટો રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ માટે જગ્યા નક્કી કરાયેલી છે, તેમા વાહન વ્યવહારના ટ્રાફિકને જોઇને ફેરફાર કરવાની જોગવાઇ છે. આ પ્રકારના પાર્કિંગ માટે મનપા ઉપરાંત ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. આ ત્રણેય વિભાગ દ્વારા સ્થળ નક્કી કરીને તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવામાં આવશે. તો સાથે જ કલાકદીઠ વસુલાતા ચાર્જમાં 2 કલાકનો વધારો કરી દેવામા આવ્યો છે.

કોંગ્રેસનાં વિરોધને કારણે શેરી-ગલીનાં પાર્કિંગ ચાર્જની દરખાસ્ત પડતી મુકાઈ : રણજીત મૂંધવા

કોર્પોરેશનની પાર્કિંગ પોલીસી અંગે કોંગ્રેસના રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકો દ્વારા કાર બાઇક પાર્કિગને લઇ ચાર્જ વસુલવા માટેની સ્ટેન્ડિગ કમિટી દરખાસ્ત મુકવામા આવી હતી. જોકે કોંગ્રેસ અને પ્રજાના વિરોધને જોતા નામંજૂર કરતા પ્રજાના અવાજની જીત થઈ છે. કોંગ્રેસ દ્વારા ગઇકાલે ચીમકી આપવામાં આવી હતી. લોકો વાહન ટેક્સ, રોડ ટેક્સ આપી જ રહ્યા છે તો હવે પાર્કિગ ટેક્સ શેનો અને જો આ દરખાસ્ત મંજૂર કરવામાં આવશે તો મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશ્નરનાં ઘર પાસે ગાડી પાર્ક કરશે. આ કારણે રાજકોટની પ્રજા પર વધુ એક બોજાનો ભાર આવતા રહી ગયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud