• સદભાવના વૃદ્ધાશ્રમમાં માત્ર સંતાનમાં ખાલી પુત્રી કે કોઈ સંતાન ન હોય તેવા વૃદ્ધોને રાખવામાં આવે છે
  • હાલમાં અમારા આશ્રમમાં 40-45 વડીલો રહે છે. આશ્રમ ફૂલ હોવા છતાં સતત નવી ઇન્કવાયરી આવી રહી છે. જેમાં 18 પેન્ડિંગ છે – અપેક્ષાબેન
  • રાજકોટ ખાતે આવેલા આ વૃદ્ધાશ્રમમાં સૌરાષ્ટ્ર, ગુજરાત સાથે મહારાષ્ટ્રથી પણ ઈન્કવાયરી આવે છે. કોરોનાની પ્રથમ લહેર બાદ વૃદ્ધાશ્રમમાં અત્યાર સુધીમાં 200 કરતા વધુ ફોન આવ્યા છે – ટ્રસ્ટી મુકેશભાઈ દોશી

WatchGujarat. કોરોનાનાં કેસમાં વધારો થતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. નાનું મકાન અને મોટું કુટુંબ ધરાવતા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા વડીલોને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડી રહ્યો છે. જેથી વૃદ્ધાશ્રમમાં પણ ઈન્કવાયરીની સંખ્યામાં વધારો થયો છે. જેમાં ઢોલરા ખાતે 200 કરતા વધુ તો ગોંડલ રોડ પરનાં રમણીકકુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે 18 જેટલી ઇન્કવાયરી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં સદભાવના વૃદ્ધાશ્રમાં કોરોના કાળ બાદ વૃદ્ધોની સંખ્યા 150માંથી 350 થઈ છે. અને અનેક ઇન્કવાયરી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

ગોંડલ રોડ નજીક આવેલા સદભાવના વૃદ્ધાશ્રમનાં જ અપેક્ષાબેનના જણાવ્યા મુજબ તેઓ સંસ્થા સાથે 6 વર્ષથી જોડાયેલા છે. અહીં માત્ર સંતાનમાં ખાલી પુત્રી કે કોઈ સંતાન ન હોય તેવા વૃદ્ધોને રાખવામાં આવે છે. કોરોના કાળ પહેલા અહીં માત્ર 150 વૃદ્ધો હતા. પણ કોરોના કાળ શરૂ થયા બાદ આ સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. અને હાલ 350 જેટલા વડીલોની સંભાળ અહીં લેવામાં આવી રહી છે. કોરોનાને કારણે લોકોના નાના-મોટા કામ બંધ થતાં તેમજ દંપતિ પૈકી કોઈપણ એકનો ભોગ લેવાતા અન્ય નિરાધાર બની જતા આ સંખ્યા વધી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે સાથે હજુ અનેક ઇન્કવાયરીઓ પેન્ડિંગ હોવાનું પણ કહ્યું હતું.

ગોંડલ રોડ ખાતે આવેલા રામણીકકુંવરબા વૃદ્ધાશ્રમનાં સંચાલક ભાવનાબેન જોશીપુરાનાં જણાવ્યા અનુસાર, કોરોના કાળમાં માતા-પિતા સમાન વડીલોની કાળજી રાખવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. અહીં અમારા પોતાના ડોક્ટર્સ અને મેડિકલ ટીમો તૈનાત રાખવામાં આવી છે. જેને લઈને અમારા વૃદ્ધાશ્રમમાં વડીલો પુરી રીતે સુરક્ષિત રહ્યા છે. અમુક વડીલોને કોરોના આવ્યો હતો. પરંતુ બધા સ્વસ્થ થઈને આવી ગયા છે. હાલમાં અમારા આશ્રમમાં 40-45 વડીલો રહે છે. આશ્રમ ફૂલ હોવા છતાં સતત નવી ઇન્કવાયરી આવી રહી છે. જેમાં 18 પેન્ડિંગ છે.

રમણીકકુંવરબા વૃદ્ધાશ્રમમાં રહેતા ભાનુબેનનાં કહેવા મુજબ, મારે એક દીકરી અને એક દીકરો છે. દીકરા તો મને રાખવા તૈયાર છે પણ હું જુદી રહુ છું. સુરેન્દ્રનગર ખાતેથી નીકળ્યા બાદ મને આ આશ્રમ વિશે જાણ થઈ હતી. ત્યારથી હું અહી આવીને રહુ છું. અહીં અમારું તમામ રીતે ધ્યાન રાખવામાં આવે છે. તો અન્ય એક વૃદ્ધાનાં કહેવા મુજબ મારા મોટા દીકરાનું અપહરણ થયું હતું. નાના દીકરાએ મહારાષ્ટ્રની યુવતિ સાથે લગ્ન કર્યા હતા. જો કે આ યુવતિ માથાભારે હોય તેના લગ્ન બાદ ઘરમાં ઝઘડાઓ શરૂ થયા હતા. જેનાથી કંટાળીને તેઓ અહીં રહેવા આવી ગયા હતા.

બીજીતરફ ઢોલરામાં આવેલા – દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઈ દોશીના જણાવ્યા અનુસાર, બીજી લહેર દરમિયાન ઈન્કવાયરી વધી હતી, પરંતુ ત્યારબાદ ઈન્કવાયરીમાં આંશિક ઘટાડો થયા બાદ ફરી કોરોનાના કેસમાં વધતા ઈન્કવાયરીમાં વધારો થયો છે. રાજકોટ ખાતે આવેલા આ વૃદ્ધાશ્રમમાં સૌરાષ્ટ્ર, ગુજરાત સાથે મહારાષ્ટ્રથી પણ ઈન્કવાયરી આવે છે. કોરોનાની પ્રથમ લહેર બાદ વૃદ્ધાશ્રમમાં અત્યાર સુધીમાં 200 કરતા વધુ ફોન આવ્યા છે. જેમાં 30 જેટલા ફોન મહારાષ્ટ્રથી તથા એક ફોન આંધ્રપ્રદેશથી આવ્યો છે. મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થતા લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી બનવાના કારણે વૃદ્ધોને વૃદ્ધાશ્રમ તરફ જવું પડી રહ્યું છે. અત્યારે પણ દર બે-ત્રણ દિવસે એક ફોન આવે છે. ઢોલરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં 55 વડીલોની કેપેસિટી સામે 52 અરજી પેન્ડિંગ છે.

વર્ષથી જે નથી બન્યું તે કોરોનામાં બન્યું

ઢોલરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમને 25 વર્ષ થયા છે. ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર છેલ્લા 25 વર્ષમાં જેટલા ફોન નથી આવ્યા, તેટલા કોરોનાકાળમાં આવ્યા છે. જેથી ટ્રસ્ટી અને નિષ્ણાતો દ્વારા સરવે કરવામાં આવતા, કોરોનાના કારણે કેટલાક લોકોને રોજગારી પૂરી ન મળવી, કેટલાકના ધંધા ચોપટ થઇ ગયા હોવાથી આવક ઘટી ગયા હોવાનું સામે આવ્યું હતું. નાના મકાનમાં રહેતા હોઈ અને મોટું કુટુંબ ધરાવતા હોઈ તેઓને રોજગારીના રસ્તા બંધ થઇ જતા વડીલો માટે વૃદ્ધાશ્રમનો રસ્તો ખોલતા હોવાનું પણ સામે આવ્યું છે. ક્યારેક એવું પણ બને છે કે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા પર દીકરાના બદલે વડીલો પોતે વૃદ્ધાશ્રમમાં ફોન કરી દાખલ થવાની અરજ કરે છે.

Facebook Comments Box

Videos

Our Partners