કુલીન પારેખ (WatchGujarat). આગામી તારીખ 31નાં રોજ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂર્વ સીએમ વિજય રૂપાણીનાં હોમટાઉન રાજકોટ આવી રહ્યા છે. સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત આવી રહેલા ભુપેન્દ્ર પટેલ વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્ત સહિત રોડ-શો કરવાનાં હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અતિશય ઝડપથી વધી રહ્યું છે, ત્યારે આ સંજોગોમાં રોડ-શો કરવો યોગ્ય નહીં હોવાનું નિષ્ણાંતો, મીડિયા તેમજ વિપક્ષ પણ જણાવી રહ્યો છે. પરંતુ મને પૂરતો વિશ્વાસ છે કે, અમારા મુખ્યમંત્રી હાલ કપરા સમયમાં રોડ-શો કરીને લાખોનાં જીવને જોખમમાં મૂકે એટલા નાસમજ તો નથી જ…

ગુજરાતનાં નાથ એવા તમે અનેકને અનાથ કરો જ નહીં…

આપ ગુજરાતનાં સર્વોચ્ચ પદે બેઠેલા રાજ્યનાં નાથ છો, ત્યારે સ્વાભાવિક રીતે જ પોલીસ તંત્ર કે કોઈપણ તમને રોડ-શો કરતા રોકી શકે તેમ નથી. અને આપના રોડ-શોમાં લોકો બધું ભૂલીને ઉમટી પડે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ રાજ્યનાં મોભી તરીકે પ્રજાનું હિત વિચારવુ આપની ફરજ છે જેને તમે સારી રીતે નિભાવી પણ રહ્યા છો. ત્યારે માત્ર સસ્તી પ્રસિદ્ધિ કે શક્તિપ્રદર્શન માટે રોડ-શો દ્વારા સામે ચાલીને ત્રીજી લહેરને આમંત્રણ આપો તે વાત માનવા હું જરાપણ તૈયાર નથી.

જાન્યુઆરીમાં કોરોના બ્લાસ્ટ થવાની નિષ્ણાંતોની ચેતવણી તમે અવગણો જ નહીં…

વિશ્વની સાથે દેશભરમાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને સામાન્ય રીતે યુરોપના દેશોમાં કોરોનાની લહેર આવ્યા બાદ 6 સપ્તાહમાં ભારતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું હોવાનું જાણકારો માને છે. આ મુજબ હાલ જાન્યુઆરી મહિનામાં કોરોના બ્લાસ્ટ થઈ શકે તેવી આગાહી નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. આ આગાહીથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને તકેદારી રાખવા જણાવ્યું છે. ત્યારે નિષ્ણાંતો તેમજ પ્રધાનમંત્રીની ચેતવણીને અવગણીને તમે કોરોનાનો બ્લાસ્ટ કરવામાં નિમિત્ત બનો એ વાત હું કોઈપણ રીતે માની શકતો નથી.

પ્રજાને કોરોનાથી બચવા માટે આપે રાત્રી કરફ્યુ જેવા નિયંત્રણો મુક્યા છે, ત્યારે રોડ-શો કરીને આપ લોકોને કોરોનાનાં ખપ્પરમાં હોમો જ નહીં…

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળતા જ આપની સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. મહાનગરોમાં ટેસ્ટિંગ-ટ્રેસિંગ અને વેકસીનેશન પણ ઝડપી બનાવવામાં આવ્યું છે. સાથે-સાથે ઓમીક્રોનની દહેશતને પગલે અન્ય દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત 14 દિવસ કવોરંટાઇન કરવા તેમજ રાત્રી કરફ્યુનાં સમયમાં વધારો ઉપરાંત લગ્ન-પ્રસંગોમાં પણ મર્યાદિત લોકોની હાજરી સહિતનાં પગલાંઓ ઘણા ટૂંકાગાળામાં આપની સરકારે જ લીધા છે. ત્યારે આ તમામ નિયમોનાં પાલન ઉપર પાણી ફેરવીને તમે જ રોડ-શો દ્વારા લોકોને સામે ચાલીને કોરોનાનાં ખપ્પરમાં હોમો એટલા સંવેદનહીન બની શકો તે હું કઈ રીતે માની  લઉં ?

ઉલ્લેખનીય છે કે, હાલ વહીવટી અને પોલીસ તંત્ર ઉપરાંત સ્થાનિક ભાજપનાં નેતાઓ આપના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. વિપક્ષ પણ એમ માને છે કે, આપ પૂર્વ મુખ્યમંત્રીનાં હોમટાઉનમાં માત્ર શક્તિપ્રદર્શન કરવા માટે પણ રોડ-શો કરશો જ. આ માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. પણ કોરોનાનાં કપરા સમયમાં આપ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે અનેક લોકોનાં જીવને જોખમમાં મુકો એ વાત માનવા માટે કમસે કમ હું તો તૈયાર જ નથી. અને મને તો ત્યાં સુધી વિશ્વાસ છે કે, છેલ્લી ઘડીએ પણ તમે રોડ-શો કરવા માટેનો ઈન્કાર કરી દેશો અને હૃદયપૂર્વક તમારું સ્વાગત કરવા આતુર રંગીલા રાજકોટવાસીઓને કોરોનાની જાળમાં જતા બચાવી લેશો…

આપના પર સૌથી વધુ વિશ્વાસ મુકનાર પત્રકારનાં જય હિન્દ….

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud