• યુનિવર્સિટીએ અત્યાર સુધી એટલે કે 21 વર્ષ સુધી કોર્ટના હુકમનું પાલન નહીં કરતા નારાજગી દર્શાવી
  • લેબર કોર્ટ બાદ હાઈકોર્ટમાં ન્યાય માટે અપીલ કરનાર સાતેય કર્મચારી નિવૃત્ત થઈ ગયા પણ તેઓને પેન્શન પણ મળતું નથી
  • કમિશનર ઓફ હાયર એજ્યુકેશન જરૂરી પગલાં નહીં લે તો તેમની સામે પણ ચાર્જફ્રેમ કરવાની કોર્ટે તૈયાર દર્શાવી

WatchGujarat.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સંપડાઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો વર્તમાનના હોય કે અગાઉના કાર્યકાળના ખુરશી મળ્યા બાદ કોઈને ગણકારતા નહીં હોવાની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓને કાયમી કરવા લેબર કોર્ટના હુકમને યથાવત રાખવા હાઈકોર્ટે 2001માં આદેશ કર્યો હતો તેમ છતાં આજદિન સુધી તેનું પાલન ન થતા કન્ટેમ્પ્ટ પિટિશન કરવામાં આવી હતી જેમાં યુનિવર્સિટીએ અત્યાર સુધી એટલે કે 21 વર્ષ સુધી કોર્ટના હુકમનું પાલન નહીં કરતા નારાજગી દર્શાવી હતી. ચીફ જસ્ટથસે એવું પણ કહ્યું હતું કે, હુકમનું પાલન નહીં કરવા બદલ સરકાર શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માન્યતા રદ કરશે? આ મુદ્દે હાયર એજ્યુકેશનના કમિશનરને પણ હાઈકોર્ટમાં હાજર થવું પડ્યું હતું. સુનાવણીમાં ખંડપીઠે કમિશનર ઓફ હાયર એજ્યુકેશનને ઉદ્દેશીને ટકોર કરી હતી કે જો તેઓ પણ કોર્ટના આદેશનું પાલન નહીં કરાવે તો તેમની સામે પણ ચાર્જફ્રેમ થઇ શકે છે.

કોર્ટે કર્મચારીઓને કાયમી કરી તેના લાભ આપવા માટે રાજ્ય સરકાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સાથે બેસીને આ બાબતનો નિકાલ લાવવા હુકમ કર્યો છે. જો કમિશનર ઓફ હાયર એજ્યુકેશન જરૂરી પગલાં નહીં લે તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની કોર્ટે તૈયાર દર્શાવી છે. કમિશનર ઓફ હાયર એજ્યુકેશન જરૂરી પગલાં નહીં લે તો તેમની સામે પણ ચાર્જફ્રેમ કરવાની કોર્ટે તૈયાર દર્શાવી છે. યુનિવર્સિટીના 7 કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો છેલ્લા 24 વર્ષથી અધ્ધરતાલ છે. તાજેતરમાં જ હાઈકોર્ટે પણ આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન સામે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બધી જવાબદારી સરકાર ઉપર ઢોળી દઈ કર્મચારીઓને એરિયર્સ અને પેન્શન સરકાર આપે તેવું જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ સરકારે કહ્યું હતું કે,ભરતી કરી ત્યારે યુનિવર્સિટીએ સરકારની મંજૂરી લીધી ન હતી તેથી 7 કર્મચારીને વળતર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના ભંડોળમાંથી ચૂકવે.

એક સમયની રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ છેલ્લા બે વર્ષમાં ખાક થઇ છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 24 વર્ષથી કોર્ટના આદેશનું પાલન નહીં કરાવતા તાજેતરમાં જ કોર્ટે યુનિવર્સિટી અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન સામે નારાજગી વ્યક્ત કરી છે. યુનિવર્સિટીમાં છેલ્લે કેટલાક સમયથી અનેક વિવાદો થયા છે, માટી કૌભાંડ, નેકમાં 1 કરોડનો ખર્ચ કરવાનો વિવાદ, ભરતી કૌભાંડ સહિત કેટલાય એવા કૌભાંડો થયા છે જેમાં માત્ર સમિતિ જ રચાઈ છે પરંતુ જવાબદારો સામે પગલાં લેવાયા નથી. રાજકારણમાં રચ્યાપચ્યા રહેતા સત્તાધીશો સત્તામંડળના સભ્યો સરકારનું પણ ગાંઠતા નથી. એક સમયની રાજ્યની એકમાત્ર ‘એ’ ગ્રેડ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ છેલ્લા બે વર્ષમાં ખાક થઇ છે.

જાણો શું છે સમગ્ર મામલો

લેબર કોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ગ-3ના 7 જેટલા કર્મચારીઓને કાયમી કરવા માટે હુકમ કર્યો હતો. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટે 2001માં તેને નકારી લેબર કોર્ટનો આદેશ માન્ય રાખ્યો હતો. જે બાદ પણ યુનિવર્સિટીએ કર્મચારીઓને કાયમી કર્યા ન હતા, જેથી ફરી એકવાર 2014માં પિટિશન કરવામાં આવી હતી, તેમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્મચારીઓને કાયમી ન કરતાં 2017માં કન્ટેમ્પ્ટની અરજી કરવામાં આવી હતી.

કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજેશ કાલરિયાએ કુલપતિ અને કુલનાયકને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજેશ કાલરિયાએ ગુરુવારે કુલપતિ અને કુલનાયકને પત્ર લખી જણાવ્યું છે કે, કન્ટેમ્પ્ટ સંબંધિત વિગતો જોઈને ખૂબ જ દુઃખ થયું. કોર્ટના ચુકાદા પછી કમિશનરની સ્પષ્ટ આદેશ મળ્યા પછી પણ ચાર-ચાર વર્ષ સુધી કોઈ કામગીરી ન કરીને અણઘડ વહીવટનો બોલતો પુરાવો આપીને યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ કર્યું છે.

કોના ખંડ સમયમાં આ થયું? કોણ જવાબદાર? તેવી કોઠી ઉલેચવાની ચેષ્ટા કર્યા સિવાય નામદાર કોર્ટ અને કમિશનરના આદેશનો અમલ કરીને કર્મચારીને ચૂકવણાનો ઓર્ડર કરી યુનિવર્સિટીની શાખ બચાવવાનો છેવટનો પ્રયત્ન જતા જતા કરો તેમ જણાવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners