• અનેક રજૂઆતો કર્યા બાદ પણ ગંદા અને અપૂરતા પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવતા આજે આ વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવાયો
  • પાણી પણ ગંદુ આવે છે. અગાઉ પણ રજુઆત કરી હતી. તો અધિકારીઓ જોઇ જાય અને સર્વે કરી જાય છે પણ કોઇ નિરાકરણ આવતું નથી – નીતાબેન, સ્થાનિક
  • પાણી જ આવતું નથી. 25 લિટર પાણીમાં કેમ પુરૂ કરવું ? ત્રણ મહિનાથી આ સમસ્યા છે – સ્થાનિક યુવક

Watchgujarat. ચાલુવર્ષે ચોમાસાનાં અંતમાં સારો વરસાદ થતાં શહેરના તમામ જળાશયો છલકાઈ ગયા છે. જો કે તેમ છતાં તંત્રની અણઆવડતને કારણે જ મવડીનાં પટેલનગરમાં રહેતા લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ ગંદા અને અપૂરતા પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવતા આજે આ વિસ્તારની મહિલાઓમાં ભારે રોષ જોવાયો હતો. અને પટેલનગર વિસ્તારની મહિલાઓ મનપા કચેરીએ ઉમટી પડી હતી. એટલું જ નહીં મનપા કચેરીના પટાંગણમાં બેસી બૂમો પાડી હતી કે, ભગવાને તો ઘણું પાણી આપ્યું છે હવે તો શરમ કરો. સત્તાધિશો અને અધિકારીઓને પાણી આપવામાં શું વાંધો છે ? અનેકવાર રજૂઆત કરી છતાં ધ્યાન આપવામાં આવતું નથી.

આ અંગે સ્થાનિક મહિલા નીતાબેને આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, પટેલનગર સોસાયટીમાં છેલ્લા 3થી 6 મહિનાથી પાણીની સમસ્યા છે. મનપાના અધિકારીઓ કહે છે કે, તમે મોટરથી પાણી ન ખેચો પણ પૂરતુ પાણી આપે તો અમારે મોટરથી પાણી ખેચવાની જરૂર નથી. પાણી પણ ગંદુ આવે છે. અગાઉ પણ રજુઆત કરી હતી. તો અધિકારીઓ જોઇ જાય અને સર્વે કરી જાય છે પણ કોઇ નિરાકરણ આવતું નથી.

અન્ય સ્થાનિક યુવાને કહ્યું હતું કે, 15 દિવસ પહેલા મારા ઘર બહાર ખાડો કરી ગયા છે. ખાડો બૂરવા પણ આવતા નથી. ગંદુ પાણી આવે છે. કેટલીવાર ફરિયાદ કરી છે છતાં કોઇ નિરાકરણ આવતું નથી. તો દિવ્યેશ ખૂંટ નામના સ્થાનિકે કહ્યું હતું કે, અમારે અહીં ધક્કો જ ન થાવો જોઇએ પણ શું કરવું પાણી માટે ધક્કો ખાવો પડ્યો છે. પાણી જ આવતું નથી. 25 લિટર પાણીમાં કેમ પુરૂ કરવું ? ત્રણ મહિનાથી આ સમસ્યા છે. છતાં પાણી પૂરતુ આપવામાં આવતું નથી. એટલે અમારે આ રીતે રજુઆત કરવાની ફરજ પડી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud