• સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે
  • શહેર પોલીસે સાદા ડ્રેસમાં 62 જેટલા લગ્નસ્થળે ઓચીંતા પહોંચી તપાસ કરી
  • ચાર સ્થળે નિયમોના ભંગ બદલ ગુનો પણ નોંધાયો હતો

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. લગ્ન પ્રસંગોમાં 150 લોકોને જ હાજર રહેવાની મંજુરી અપાઇ હોઇ તેમજ લગ્ન પ્રસંગ માટે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજીયાત હોઇ આ નિયમોનું પાલન થાય છે કે કેમ? તે જોવા શહેર પોલીસે સાદા ડ્રેસમાં 62 જેટલા લગ્નસ્થળે ઓચીંતા પહોંચી તપાસ કરી હતી. જેમાં ચાર સ્થળે નિયમોના ભંગ બદલ ગુનો પણ નોંધાયો હતો. ગુજરાત સરકાર દ્વારા કરાયેલા આદેશ અનુસાર જાહેરનામું બહાર પાડી પોલીસ કમિશ્નરે લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

લગ્નસ્થળે નિયમોનું પાલન થાય છે કે નહીં તે જાણવા પોલીસની ટીમો ખાનગી ડ્રેસમાં અલગ અલગ સ્‍થળોએ પહોંચી હતી. જેમાં બી-ડિવીઝન વિસ્‍તારમાં 12 જેટલા સ્‍થળો, માલવીયામાં 4, પ્ર.નગરમાં 14, તાલુકાં 15, થોરાળામાં-1, ગાંધીગ્રામમાં 12 અને યુનિવર્સિટી પો. સ્ટે. વિસ્‍તારમાં યોજાયેલા 12 લગ્નસ્‍થળોનું ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. તેમજ લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. સાથે લોકોને રજિસ્ટ્રેશનની જરૂરી જાણકારી આપવામાં આવી હતી. અને નિયમ ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની ચેતવણી પણ અપાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે કર્ફયુની સમય મર્યાદા અગાઉ મુજબ રાખવામાં આવી છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ નવુ જાહેરનામુ આપ્‍યું છે. અને રાતે 10 થી સવારના 6 સુધી કર્ફયુનો કડક અમલ કરાવવાની સાથે લોકો ઘરમાં રહે તેવી અપીલ કરી છે. જોકે દૂકાનો ઓફિસો રાતે દસ સુધી ખુલ્લા રાખી શકાશે. અને હોટેલ-રેસ્‍ટોરન્‍ટ રાતે દસ સુધી બેસવાની 75 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. તેમાં પણ હોમ ડિલીવરીની સુવિધા 24 કલાક ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત લગ્નપ્રસંગોમાં 150 અને અંતિમવિધિ દરમિયાન 100 લોકોને હાજર રાખવાની મંજૂરી જાહેરનામાં દ્વારા પોલીસ કમિશ્નરે આપી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થતો જાય છે. છેલ્લા 4 દિવસથી 1 હજારને પાર આંક પહોંચ્‍યો છે. શહેરમાં ગઇકાલે 21 જાન્‍યુઆરીના રોજ સૌથી વધુ 1502 કેસ નોંધાયા છે. ત્‍યારે આજે બપોર સુધીમાં જ વધુ 401 પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે. મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ 52,755 પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. આ પૈકીના આજ દિન સુધીમાં કુલ  45,163 દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ 4,898 સેમ્‍પલ લેવાયા હતા. જેમાં 1,502 નવા કેસ નોંધાતા પોઝિટિવિટી રેટ 30.66 ટકા થયો છે.

Facebook Comments Box

Videos

Our Partners