• ભાવઠા ગામની વતની સુમીબેન કાજુભાઈ મહેડાનો પતિ દોઢેક વર્ષથી જેલમાં હોય તેઓ હાલ ધોરાજીના મોટી વાવડી ગામમાં મજૂરી કરે છે
  • ગુરુવારે રાતે પોણા નવ વાગ્યાનાં સુમારે સુમીબેન તેના 4 વર્ષના પુત્રને લઇ સુપેડી ગામ નજીકથી પસાર થતા દરમિયાન પુત્રનું અપહરણ થયું
  • ખૂબ ગભરાયેલા સુમીબેને જ ગામના સરપંચને જાણ કરતા સરપંચે ધોરાજી પીઆઇ એ.બી.ગોહિલને જાણ કરી
  • પીઆઇ એ.આર. ગોહિલે લોકેશન ટ્રેસ કરવા આરોપી દિનેશ રાઠોડને મોબાઇલ કરીને પોતે સમાજકલ્યાણ વિભાગમાંથી સામાજીક કાર્યકર બોલે છે, બાળકને શા માટે ઉઠાવી ગયો? તેમ કહી વાતોમાં વળગાડ્યો

WatchGujarat. ધોરાજીના સુપેડી ગામે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરિણીતાનાં 4 વર્ષનાં માસુમ બાળકનું અપહરણ કર્યું હતું. જો કે પોલીસે સામાજીક કાર્યકર બની ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી માસુમને છોડાવ્યો હતો. શ્રમિક પરિણીતા તાબે નહીં થતાં રોષે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાના હાથમાંથી તેના 4 વર્ષના પુત્રનું હત્યાનાં ઇરાદે અપહરણ કરતા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇએ સામાજીક કાર્યકર તરીકે આરોપીનો મોબાઇલથી સંપર્ક કરીને કુનેહપૂર્વક વાતોમાં વળગાડી રાખ્યો હતો. દરમિયાન લોકેશન ટ્રેસ કરી રહેલી બીજી ટીમે ગોંડલના અનીડા ગામ નજીકથી આરોપીને ઝડપી લઇ બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો બાળકની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લેવાનો હોવાની આરોપીએ કબૂલાત આપી હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ભાવઠા ગામની વતની સુમીબેન કાજુભાઈ મહેડાનો પતિ દોઢેક વર્ષથી જેલમાં હોય તેઓ હાલ ધોરાજીના મોટી વાવડી ગામમાં મજૂરી કરે છે. ગુરુવારે રાતે પોણા નવ વાગ્યાનાં સુમારે સુમીબેન તેના 4 વર્ષના પુત્રને લઇ સુપેડી ગામ નજીકથી પસાર થતા હતા. આ દરમિયાન બાઇકમાં આવેલો એક અજાણ્યો શખ્સ તેણીના પુત્રને આંચકીને અપહરણ કરી ગયો હતો. જેને પગલે ખૂબ ગભરાયેલા સુમીબેને જ ગામના સરપંચને જાણ કરતા સરપંચે ધોરાજી પીઆઇ એ.બી.ગોહિલને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં પીઆઇ ગોહિલે તુરંત કંટ્રોલરૂમમાં જાણ કરી નાકાબંધી કરાવી હતી. જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ માસુમને મુક્ત કરાવવા તમામ ટીમને કામે લગાવી દીધી હતી. દરમિયાન અપહરણ કરનાર શખ્સ માસુમની માતાનો પ્રેમી દિનેશ રાઠોડ હોવાની અને પ્રેમસંબંધમાં ડખો થતાં બાળકનું અપહરણ કર્યું હોવાની જાણકારી પોલીસને મળી હતી. જેને આધારે પીઆઇ એ.આર. ગોહિલે લોકેશન ટ્રેસ કરવા આરોપી દિનેશ રાઠોડને મોબાઇલ કરીને પોતે સમાજકલ્યાણ વિભાગમાંથી સામાજીક કાર્યકર બોલે છે, બાળકને શા માટે ઉઠાવી ગયો? તેમ કહી વાતોમાં વળગાડ્યો હતો.

આરોપીએ પ્રેમપ્રકરણની વાત કરીને પ્રેમીકા તાબે નહીં થતાં બાળકને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેશે તેવી વાત કરી હતી. જરા સરખી ભૂલ થાય તો બાળક અને આરોપી બન્નેના જીવ જોખમમાં મૂકાઇ શકે તેમ હોવાથી પીઆઇએ તેને સાંત્વના આપીને પ્રેમિકા સાથે બેઠક કરાવી દેવાની ખાતરી આપી હતી. બીજીતરફ લોકેશન ટ્રેસ કરી રહેલી એલસીબીની ટીમે ગોંડલના અનીડા નજીકથી આરોપીને અટકાયતમાં લઇ બાળકને મુક્ત કરાવ્યો હતો. આમ પોલીસે સંકલનમાં રહી માત્ર અઢી કલાકના ગાળામાં બાળકને હેમખેમ મુક્ત કરાવી આરોપીને ઝડપી લઈ કાબીલેદાદ કામગીરી કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners