• નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ ચુક્યા હોવાની વાતમાં તથ્ય નથી. નરેશ પટેલે ધંધાર્થે દેશના અનેક સ્થળો તેમજ વિદેશમાં પણ જવું પડતું હોય છે. – ખોડલધામનાં પ્રવક્તા હસમુખ પટેલ
  • એક વર્ગ નરેશભાઈ રાજકારણમાં આવી જાય તેવું ઈચ્છે છે. બીજો વર્ગ નરેશભાઈને માત્ર ખોડલધામનાં માધ્યમથી લોકોની સેવા કરવાનું જણાવી રહ્યો છે
  • રાજકોટ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ AAPનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા ચાલી હતી
  • પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી હતી

WatchGujarat. આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા શહેરનાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજીતરફ ભાજપનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા કોંગ્રેસનો હાથ પકડવાના હોવાની અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા હોવાની વાતો વહેતી થઈ છે. જોકે કુંવરજી બાવળીયા અને ઈન્દ્રનીલે પોતાના માટે ચાલતી પક્ષપલટાની વાતો નકારી કાઢી છે. બીજીતરફ ખોડલધામનાં પ્રવક્તા હસમુખ પટેલે પણ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાનાર હોવાની વાતને રદિયો આપ્યો છે. એટલું જ નહીં નરેશ પટેલનાં પુત્ર શિવરાજે સોશિયલ મીડિયાનાં માધ્યમથી પિતા અંગે ચાલતી ચર્ચાઓ ખોટી હોવાનું જણાવ્યું હતું.

ખોડલધામનાં પ્રવક્તા હસમુખ પટેલે કોંગી નેતા હેમાંગ વસાવડાનાં નિવેદન અંગે તેમણે કહ્યું કે, તેઓ રાજકીય વ્યક્તિ છે. અને નરેશભાઈ પોતાની પાર્ટીમાં આવે તેવું ઇચ્છતા હોય તે સ્વાભાવિક છે. મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે, નરેશ પટેલ ભાજપ સિવાય ક્યાંય નહીં જાય. જો કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ ચુક્યા હોવાની વાતમાં તથ્ય નથી. નરેશ પટેલ અનેક દેશોમાં વેપાર કરે છે. અને વારંવાર તેમને દેશના અનેક સ્થળો તેમજ વિદેશમાં પણ જવું પડતું હોય છે. જેનો મતલબ એવો નથી કે તેઓ રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરવા માટે જતા હોય.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ સમાજનો એક વર્ગ એવો છે કે, જે નરેશભાઈ રાજકારણમાં આવી જાય તેવું ઈચ્છે છે. જ્યારે બીજો વર્ગ એવો પણ છે કે, જે નરેશભાઈને માત્ર ખોડલધામનાં માધ્યમથી લોકોની સેવા કરવાનું જણાવી રહ્યો છે. ત્યારે આ અંગે ચાલતો સર્વે પૂર્ણ થયા બાદ એપ્રિલનાં બીજા કે ત્રીજા વિકમાં નરેશભાઈ જાતે આ અંગેની જાહેરાત કરશે. નરેશભાઈ રાહુલ ગાંધીને મળવાનાં હોવાની ચર્ચા અંગે તેમણે કહ્યું હતું કે, તેઓનાં તમામ નેતાઓ સાથે સારા સંબંધો છે. અને સમયાંતરે વિવિધ પાર્ટીનાં નેતાઓ સાથે મુલાકાત પણ થતી હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ કોઈ પાર્ટીમાં જોડાય છે.

રાજકોટ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ AAPનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા ચાલી હતી. તેમજ તેઓ AAPમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં શક્તિસિંહ ગોહિલના અંગત ગણાતા ઈન્દ્રનીલ રાજગુરુ ટિકિટ વહેંચણી પૂર્વે પ્રેશર ટેકનિક અજમાવતા હોવાની વાતો પણ વહેતી થઈ હતી. જો કે ટેલિફોનિક વાતચીતમાં ખુદ ઈન્દ્રનીલે આ તમામ બાબતોને અફવા ગણાવી હતી. અને પોતે કોંગ્રેસ તરફથી આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી હતી. ત્યારે બાવળીયાએ આ અંગે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે,  ‘મારા કોંગ્રેસમાં જોડાવવાના સમાચાર પાયાવિહોણા છે. ખોટી અફવા ફેલાવનાર તત્વોને ઈશ્વર સદબુદ્ધિ આપે. ભાજપ નેતૃત્વથી પ્રભાવિત થઈ જોડાયો છું, અને હંમેશા ભાજપ સાથે રહીશ.

Facebook Comments Box

Videos

Our Partners