• કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓએ બેઠક યોજી કોંગ્રેસનાં નવા માળખાંમાં રાજકોટ શહેર પ્રમુખ તથા પ્રદેશના હોદ્દેદારોમાં પાટીદારને સ્થાન ન મળતા વિરોધનો સૂર જોવા મળ્યો
  • બેઠકમાં પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરિયા, સંજય અજુડિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગા સહિતના કોંગ્રેસના પાટીદાર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
  • ઘણા વર્ષોથી પાટીદારોને આ અન્યાય થતો રહ્યો છે. જેને લઈને હવે 7 આગેવાનોની એક કમિટી બનાવવામાં આવી છે – કોંગ્રેસનાં નેતા મિતુલ દોંગા

WatchGujarat. દેશભરમાં કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હવે આ ચૂંટણી માટે અત્યંત મહત્વનાં ગણાતા પાટીદાર સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા નવું સંગઠન માળખું જાહેર કરાયું છે. જેમાં પાટીદાર નેતાઓને સ્થાન નહીં મળતા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે શહેરના કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓએ બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાનો અને છતાં જો આ રજુઆત ધ્યાને નહીં લેવાય તો પાર્ટીનાં બધા કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે.

જાણવા મળતી વિગત અનુસાર, શહેરના કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓએ બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસનાં નવા માળખાંમાં રાજકોટ શહેર પ્રમુખ તથા પ્રદેશના હોદ્દેદારોમાં પાટીદારને સ્થાન ન મળતા વિરોધનો સૂર જોવા મળ્યો હતો. આ બેઠકમાં પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરિયા, સંજય અજુડિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, કોંગ્રેસ અગ્રણી મિતુલ દોંગા, માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણી તથા અલગ અલગ વોર્ડના કોંગ્રેસના પાટીદાર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે શહેર કોંગ્રેસનાં નેતા મિતુલ દોંગાએ જણાવ્યું હતું કે, આ મિટિંગમાં શહેરનાં પૂર્વ કોર્પોરેટરો, વોર્ડનાં પ્રમુખો અને સિનિયર આગેવાનો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં ઘણા વર્ષોથી શહેર કોંગ્રેસમાં પાટીદારોને નહીં મળેલા પ્રભુત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસનાં પ્રમુખ અને સિનિયર આગેવાનોને પીસીસી (પ્રદેશ કોંગ્રેસ સમિતિ)માં યોગ્ય સ્થાન આપવાની માંગ કરાઈ હતી. જો કે કોંગ્રેસ પાર્ટીની કોઈ ભૂલ રહી જતા આ માંગ સંતોષવામાં આવી નથી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ઘણા વર્ષોથી પાટીદારોને આ અન્યાય થતો રહ્યો છે. જેને લઈને હવે 7 આગેવાનોની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. અને તેમ છતાં આ મામલે કોઇ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પાર્ટીમાં રહીને પાર્ટીનાં તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે. જો કે વિરોધ દરમિયાન કોંગ્રેસનાં તમામ આગેવાનો પ્રજાના કામો કરતા રહેવાના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners