• લિવ બાબતે IG સાહેબે દબાણ કરતા DSC દ્વારા ચાર્જશીટ આપવામાં આવી અને સ્ટડી લિવ રિજેક્ટ કરી
  • PSI એ આરોપ મુકતા કહ્યું કે મને ધમકી આપી કે, રાજકોટમાં દેખાયા તો ગોળી મરાવી દઈશ
  • PSI બલરામ ગત 6 જાન્યુઆરીનાં રોજ ક્રાઈમ કોન્ફરન્સમાં જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા

WatchGujarat. થોડા દિવસો અગાઉ લાપતા બનેલા RPFનાં PSI બલરામ ચૌધરીએ અંતે ઘરવાપસી કરી છે. તેના લાપતા થયા બાદ પત્નીએ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે પરત ફરેલા PSI બલરામ ચૌધરીએ પણ ઉચ્ચ અધિકારીઓએ ગોળી મારવાનું ષડયંત્ર કર્યાનો આક્ષેપ કરતા સનસનાટી મચી છે. એટલું જ નહીં જો ત્વરિત પગલાં નહીં લેવાય તો પોતાના પરિવાર સાથે પાર્લામેન્ટ ખાતે આત્મવિલોપનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

PSI બલરામ ચૌધરીનાં જણાવ્યા અનુસાર, DSC આનંદ મિશ્રાએ મને LLB કરવા કહ્યું હતું. આ માટે સ્ટડી લિવ આપવા પણ જણાવ્યું હતું. પરંતુ આ લિવ બાબતે IG સાહેબે દબાણ કરતા DSC દ્વારા ચાર્જશીટ આપવામાં આવી અને સ્ટડી લિવ રિજેક્ટ કરી, એટલું જ નહીં આજે 6 વર્ષ સુધી આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. આ દરમિયાન મને 4-4 વખત ચાર્જશીટ આપીને માનસિક ત્રાસ અપાયો છે. આ મુદ્દે ન્યાય માટે પાર્લામેન્ટમાં રજુઆત કરનાર હોવાનું અને જો ન્યાય નહીં મળે તો પાર્લામેન્ટ ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, તેના દ્વારા DSC પવનકુમાર શ્રીવાસ્તવ, અનુપકુમાર શુકલા અને રાજકોટનાં શ્રીરામ મીણા કે જેમણે તપાસનો ખોટો રિપોર્ટ આપ્યો છે. અને IGP સિન્હા સાહેબ વિરુદ્ધ FIR નોંધાવવામાં આવનાર છે. આ તમામ લોકો છેલ્લા પાંચ વર્ષથી માનસિક ત્રાસ આપતા હતા. અને હવે ધમકી આપી છે કે, રાજકોટમાં દેખાયા તો ગોળી મરાવી દઈશ. જેટલું જલ્દી બને તેટલું જલ્દી રાજકોટ છોડીને ચાલ્યો જવા પણ જણાવાઈ રહ્યું છે. હાલ તો હું મારા પરિવાર અને મારું જીવન બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. પોતાના માતા-પિતા તેમને રજા નહીં મળવાને કારણે જયપુર ખાતે મકાન વિના હેરાન થતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, PSI બલરામ ગત 6 જાન્યુઆરીનાં રોજ ક્રાઈમ કોન્ફરન્સમાં જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા. તેમના લાપતા થયા બાદ તેના પત્ની ડો. અમૃતાબેને ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસમાં જાણ પણ કરી હતી. તેમના આ આરોપોને લઈ રેલવે વિભાગ દ્વારા જવાબદાર અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. બલરામ ચૌધરી આજે નાટકીય રીતે પરત ફર્યા છે. અને અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ લગાવી આત્મવિલોપન સુધીની ચીમકી ઉચ્ચારતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

Facebook Comments Box

Videos

Our Partners