• હવે વેક્સીનેટેડ લોકોને અને આ વખતે બાળકોને પણ મોટી સંખ્યામાં કોરોના થઈ રહ્યો છે
  • ખોડલધામના પાટોત્સવમાં લાખો ભાવિકો ઘરબેઠાં લાઈવ દર્શન કરી શકે અને સ્થળ પર મર્યાદિત હાજરી રહે તે રીતે યોજવા નિર્ણય કરાયો
  • દર શિયાળામાં મહાપાલિકા દ્વારા યોજાતા અને લાખોની ભીડ ભેગી કરતા ફ્લાવર શો અને મેરેથોન ઉપરાંત હવે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ

WatchGujarat. શહેર તેમજ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને લઈને ભારે ફફડાટ જેવો માહોલ છવાયો છે. અને જેમાં પણ વધુ લોકો એકઠા થવાની શકયતા હોય તેવા બધા કાર્યક્રમો સાવચેતીના ભાગરૂપે રદ્દ કરવા કે મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. જેમાં પાટીદારોના આસ્થા કેન્દ્ર ખોડલધામમાં આગામી તા. 21ના યોજાનાર પાટોત્સવ ઓનલાઈન રાખવામાં આવે તેવી શકયતા છે. તો મનપા દ્વારા ફ્લાવર-શો, મેરેથોન, અને પતંગોત્સવ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં અનેક દેશોના વેપારીઓને બોલાવી યોજાનાર વેપાર મેળો મોકૂફ રાખી મે મહિનામાં યોજવા નક્કી કરવામાં આવ્યું છે.

ખોડલધામ ખાતે આગામી 21 ડિસેમ્બરનાં પાટોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ થઈ રહી છે. તેમાં જંગી સંખ્યામાં ભાવિકો ઉમટે તેવી શક્યતાને ધ્યાને લઈને હવે તેને વર્ચ્યુલ એટલે કે, લાખો ભાવિકો ઘરબેઠાં લાઈવ દર્શન કરી શકે અને સ્થળ પર મર્યાદિત હાજરી રહે તે રીતે યોજવા નિર્ણય કરાયો છે. વિસ્તૃત કાર્યક્રમ સાથેની સત્તાવાર જાહેરાત ટ્રસ્ટ દ્વારા બપોર બાદ કરાશે. આ માટે ટ્રસ્ટી મંડળની બેઠક પ્રમુખ નરેશ પટેલનાં માર્ગદર્શનમાં મળી હતી. બેઠક બાદ એક ટ્રસ્ટીએ જણાવ્યું કે ભીડ થાય તેવો કાર્યક્રમ નહીં થાય, વર્ચ્યુઅલ યોજાશે. જ્યારે કે, ટ્રસ્ટના સત્તાવાર પ્રવક્તા હસમુખ પટેલે જણાવ્યું કે પાટોત્સવ કઈ રીતે ઉજવાશે તેની વિગતવાર માહિતી હવે જાહેર કરાશે.

બીજીતરફ, રાજકોટમાં દર શિયાળામાં મહાપાલિકા દ્વારા યોજાતા અને લાખોની ભીડ ભેગી કરતા ફ્લાવર શો અને મેરેથોન ઉપરાંત હવે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કરવા નિર્ણય લેવાયાનું મેયર પ્રદિપ ડવે જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોરોનાના કેસો જે ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે મહાપાલિકા દ્વારા હાલ ભીડ થાય તેવા કોઈપણ કાર્યક્રમો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા રાજકોટમાં વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ સાથે યોજાનાર વેપાર મેળાને હાલ મોકુફ રાખીને હવે તે તા.6થી 9 મે દરમિયાન યોજવા નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના સાથે ઓમિક્રોનની એન્ટ્રી પણ થઈ ગઈ છે અને હવે વેક્સીનેટેડ લોકોને અને આ વખતે બાળકોને પણ મોટી સંખ્યામાં કોરોના થઈ રહ્યો છે. તે સ્થિતિમાં પખવાડિયા પહેલા ઓછા કેસોના પગલે યોજાયેલા અનેક કાર્યક્રમો હવે રદ થઈ રહ્યા છે. અથવા ઓછી સંખ્યામાં યોજવા આયોજકોએ તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud