• સરકારી શાળાનાં વિદ્યાર્થીઓને સંક્રમણથી દુર રાખવા માટે શિક્ષણ સમિતિ દ્વારા એક નવતર પ્રયોગ
  • હવે છાત્રોને સંક્રમિત થતા રોકવા તેના પરિવારજનોને વેક્સિનેટેડ કરવામાં આવનાર છે

WatchGujarat.શહેરની શાળાઓનાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને અટકાવવા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાનગી શાળાઓમાં ખાસ કોવિડ કેર સમિતિઓની રચના કરવામાં આવી છે. સાથે જ શાળાઓમાં નિયમોના પાલન માટે જિલ્લા શિક્ષણાધિકારીની ટીમો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સરકારી શાળાનાં વિદ્યાર્થીઓને સંક્રમણથી દુર રાખવા માટે શિક્ષણ સમિતિ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનાં પરિજનોને વેકસીનેટેડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અંગે જણાવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિતે કહ્યું હતું કે, શિક્ષણ સમિતિની સરકારી 87 શાળાના 32,000 વિદ્યાર્થીની દેખભાળ અઘરી બની છે. ત્યારે હવે છાત્રોને સંક્રમિત થતા રોકવા તેના પરિવારજનોને વેક્સિનેટેડ કરવામાં આવનાર છે. કોર્પોરેશન હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સ્લમ વિસ્તારમાંથી આવતા હોય છે. જેથી તેના માતા-પિતા સહિત પરિજનોમાંથી કેટલાએ વેક્સિન લીધી તેનો સર્વે શિક્ષકો દ્વારા કરાશે અને તે પછી કોર્પોરેશનના સહયોગથી બાકી રહેતા પરિવારજનોને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધતા વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બીજીતરફ વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ ઉપરાંત આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. કારણકે સંક્રમિત થતા વિદ્યાર્થીઓએ કોરોના વેક્સિન નથી લીધી. આ સાથે પ્રાથમિક શાળાના બાળકોને હજુ વેકસીનેશન કરી શકાય તેમ પણ નથી. ત્યારે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેને દુરંદેશી વાપરી આ નિર્ણય લીધો છે. પરિવાર વેકસીનેટેડ હોવાને કારણે છાત્રોમાં કોરોના થવાની સંભાવના તો ઘટશે સાથે-સાથે શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવામાં મોટી મદદ મળી શકશે તે નિશ્ચિત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud