• ગોંડલ ખાતે રામજી મંદિરના મહંત પૂજ્ય હરીચરણદાસજી બ્રહ્મલીન થયા
  • હરિચરણદાસ બાપુએ વહેલી સવારે 4 :30 વાગ્યા આસપાસ દેહત્યાગ કર્યો
  • સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવદેહને ગોંડલ મંદિર ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે

WatchGujarat. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાનાં ગુરૂ અને ગોંડલના 1008 મહામંડલેશ્વર સંત હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતા મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો દર્શન માટે ઉમટ્યાં છે. આવતીકાલે ગોરા ખાતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવનાર છે. આ પહેલા તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

જાણવા મળતી વિગત અનુસાર, ગોંડલ ખાતે રામજી મંદિરના મહંત પૂજ્ય હરીચરણદાસજી બ્રહ્મલીન થયા છે. હરિચરણદાસ બાપુએ વહેલી સવારે 4 :30 વાગ્યા આસપાસ દેહત્યાગ કર્યો હતો. જેને લઈને તેઓના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવદેહને ગોંડલ મંદિર ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અને આવતીકાલે સવારે ગોરા ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.

બાપુનું મૂળનામ હરિશ્ચંદ્ર મિસરાજ હતું. ઇસવીસન 1921માં ચૈત્ર સુદ 6ના દિવસે બિહારના પંજરવામાં જન્મ થયો હતો. ત્યારબાદ 1955માં ગુરુદેવ રણછોડ દાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું. છેલ્લા 70 વર્ષથી તેઓ અહીં રહી સેવા કરી રહ્યા છે. 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. તેમના ગુરુજી સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજના સાનિધ્યમાં સરિયૂ નદીના કિનારે ભજન કરતા હતા. ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. અને રામ સાર્વજનીક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.

આ પહેલા એપ્રિલ 2020માં બાપુની તબીયત લથડી હતી. અને હિમોગ્લોબીન લેવલ ઓછું થઈ જતા તેમને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા. ગોંડલની રામ હોસ્પિટલના ડોક્ટરોએ બાપુના જ રૂમમાં તમામ સારવાર આપી સ્વસ્થ કર્યા હતા. તેમજ 2 ફેબ્રુઆરી 2020માં હરિચરણદાસ બાપુ અયોધ્યામાં બાથરૂમમાં પડી જતા થાપામાં ફ્રેક્ચર થયું હતું. ત્યાંના તબીબોએ પ્રાથમિક તપાસ કરતાં થાપાના ભાગમાં ઈજા થઇ હોય ઓપરેશન કરાવવાનું જણાવતાં ત્વરીત અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ચાર્ટડ પ્લેન મારફત ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ થતા ડોક્ટરો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી હતી. પરંતુ આ સારવાર કારગર નહીં નિવડતા તેઓ બ્રહ્મલીન થયા છે.

Facebook Comments Box

Videos

Our Partners