• 108 ઈમરજન્સી કોલમાં છેલ્લા 1 મહિનાથી મોટો વધારો નોંધાયો
  • શહેરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, એક જ દિવસમાં 7 મહિનાનાં સૌથી વધુ કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો
  • રાજકોટમાં વસ્તી પ્રમાણે 108 પૂરતી સંખ્યામાં છે, પણ જરૂર પડશે ત્યારે સરકાર દ્વારા એમ્બ્યુલન્સ વધારવામાં આવશે

WatchGujarat. શહેરમાં છેલ્લા પખવાડિયામાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. જેમાં શહેરમાં ગઈકાલે એક દિવસમાં 7 મહિનાનાં સૌથી વધુ 24 તેમજ જિલ્લાનાં 12 મળી 36 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. 108ની એમ્બ્યુલન્સની જ વાત કરીએ તો અગાઉ જિલ્લામાં દરરોજનાં 130-140 કોલની સામે હાલ 170-180 કોલ આવવા લાગ્યા છે. જો કે 108 નું તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું રાજકોટનાં અધિકારીએ જણાવ્યું હતું.

108નાં અધિકારીએ જણાવ્યા મુજબ, દિવાળી પૂર્વે ઈમરજન્સી કોલમાં ઘટાડો થયો હતો. પણ છેલ્લા 1 મહિનાથી ઈમરજન્સી કોલમાં મોટો વધારો નોંધાયો છે. જેમાં વાયરલ ફીવર, મેલેરિયા તેમજ પ્રેગનેન્સી લગત કોલ વધ્યો છે. અગાઉ જિલ્લામાં દરરોજ 130-140 ઈમરજન્સી આવતી હતી. જે આંકડો હવે 170-180 પહોંચી ચુક્યો છે. એટલે કે દરરોજનાં 40 કોલ (20%) જેટલો વધારો થયો છે. હાલ વસ્તીનાં પ્રમાણમાં 108 એમ્બ્યુલન્સની પૂરી સંખ્યા છે, અને જરૂર પડ્યે રાજ્ય સરકાર દ્વારા એમ્બ્યુલન્સ વધારવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ રાજકોટ જિલ્લામાં કુલ 40 એમ્બ્યુલન્સ દ્વારા સેવા આપવામાં આવી રહી છે. જેમાં 20 શહેરમાં જ્યારે બાકી 20 જિલ્લામાં કાર્યરત છે. હાલ કોલમાં થયેલા વધારાનું કારણ સિઝનલ ચેન્જ લાગી રહ્યું છે. પણ જો આ કોરોનાની ત્રીજી લહેર હોય તો પણ 108નો કાફલો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. 108ની તમામ એમ્બ્યુલન્સમાં હાલ પૂરતા પ્રમાણમાં ઑક્સિજન સહિત જરૂરી દવાઓનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે. ઉપરાંત જિલ્લાનાં કોઈપણ ગામમાંથી દર્દીઓને કલાકોમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર સમયે પણ 108 દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. અને અનેક દર્દીઓને હોસ્પિટલમાં બેડ નહીં મળવાને કારણે કલાકો સુધી એમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડી હતી. છેલ્લા સપ્તાહમાં કોરોનાનાં કેસોની સંખ્યા જે પ્રમાણે વધી રહી છે તેને જોતા ત્રીજી લહેર શરૂ થઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે ફરીથી એકવાર 108નું તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂક્યું છે. પરંતુ જિલ્લામાં માત્ર 40 એમ્બ્યુલન્સ હોવાથી બીજી લહેરની માફક કેસોની સંખ્યા વધશે તો એમ્બ્યુલન્સ ઘટવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud