• ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના પદાધિકારીઓનો એક ભવ્ય સન્માન સમારોહ તારીખ 3 એપ્રિલે યોજાશે
  • જિલ્લા ને તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટર્સ, સુધરાઈ સભ્યો, તેમજ સહકારી અગ્રણીઓનું ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સન્માન કરાશે
  • કાર્યક્રમમાં 861 સરપંચ, 24 જિલ્લા પંચાયતનાં સભ્યો, 141 તાલુકા પંચાયત સદસ્યો હાજર રહેશે

WatchGujarat. વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિવિધ સમાજ દ્વારા જુદા-જુદા સંમેલનો યોજી શક્તિપ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે હવે ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજનો એક સન્માન સમારોહ યોજાનાર છે. રાજકોટ રાજવી માંધાતાસિંહજીનાં રાજવી પેલેસ ખાતે યોજાનાર આ સમારોહમાં ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુ એકવાર એક મંચ પર હાજર રહેશે. આ કાર્યક્રમમાં 700 જેટલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનાં ઓવારણા સાથે સન્માન કરવામાં આવનાર હોવાનું આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજવી માંધાતાસિંહજીએ જણાવ્યું હતું.

માંધાતાસિંહજીએ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ હમેંશા રાજ્ય અને રાષ્ટ્રને સમર્પિત રહ્યો છે. પરંપરા જીવંત રાખવામાં પણ ક્ષત્રિયોના બલિદાન છે. દેશની પરંપરા, સંસ્કૃતિ સરકાર, જીવંત રાખવાની સાથે-સાથે ભારત પર આક્રમણ કરનારાને પરાજિત કરવાનો યશ પણ ક્ષત્રિયોને ફાળે જાય છે. ક્ષત્રિયોએ સમર્પિત ભાવથી સામાજિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક, શૈક્ષણિક તેમજ રાજકીય અને આધ્યાત્મિક ઉત્તરદાયીત્વની દિશામાં હંમેશા પોતાનો રાજધર્મ નિભાવ્યો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, કચ્છ કાઠિયાવાડ, ગુજરાત ગરાસિયા એસોસિએશન- રાજકોટ અને રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના પદાધિકારીઓનો એક ભવ્ય સન્માન સમારોહ તારીખ 3 એપ્રિલે યોજાશે. જેમાં જિલ્લા ને તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટર્સ, સુધરાઈ સભ્યો, તેમજ સહકારી અગ્રણીઓનું ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સન્માન કરાશે. આ કાર્યક્રમમાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પુર્વ મંત્રીઓ,  રાજ્યપાલ, સાંસદો, ધારાસભ્યો, રાજવીઓ સહિતના મહાનુભાવો હાજર રહેશે. રાજ્યભરમાંથી સમાજના લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં 861 સરપંચ, 24 જિલ્લા પંચાયતનાં સભ્યો, 141 તાલુકા પંચાયત સદસ્યો હાજર રહેશે. જેમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, જામનગર, બોટાદ, પોરબંદર, ભૂજ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, જૂનાગઠ વડોદરા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, અરવલ્લી મળીને 861 સરપંચ, જિલ્લા પંચાયતના પ્રમુખ કે પ્રતિનિધી 24, તાલુકા પંચાયતના પ્રતિનિધી 141, માર્કેટિંગના ડાયરેક્ટર 70, મહાનગરપાલિકાના પ્રતિનિધી 18, નગરપાલિકાના પ્રતિનિધી 48, ખેતી બેન્કના પ્રતિનિધિ 7 અને અન્ય 3 કર્મવીરોનું અહીં સન્માન કરવામાં આવનાર હોવાનું પણ તેઓએ કહ્યું હતું.

હાલ રણજીત વિલાસ પેલેસ ખાતે આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય ઉદ્દેશ નહીં હોવાનું રાજવી માંધાતાસિંહજીએ જણાવ્યું હતું. પરંતુ વિધાનસભાની ચુંટણીઓ પૂર્વે ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓની હાજરીમાં યોજાનાર આ સમારોહને ક્ષત્રિય સમાજનું શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.  આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકાર પિરષદમાં ધ્રુવકુમારસિંહ જાડેજા, દેવાયતસિંહ જાડેજા, દિગુભા ચુડાસમા, દેવેન્દ્રસિંહ જાડેજા (વિરપુર દરબાર), સુખાભાઈ વાળા, સત્યેન્ભાઈ ખાચર, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઈ), શૈલેન્દ્રસિંહ જાડેજા (કોઠારીયા) ભરતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, હરીભાઈ ચુડાસમા સહિત ક્ષત્રિય સમાજનાં અનેક આગેવાનો હાજર રહયા હતા.

Facebook Comments Box

Videos

Our Partners