• ધર્મેન્દ્ર રોડ મુખ્ય બજારમાં આવેલા રેશમ લેડીઝવેરનાં શોરૂમમાં સમગ્ર દેશ ગૌરવ લઈ શકે એવો રાષ્ટ્રપ્રેમ જોવા મળે છે
  • અમારા શોરૂમમાં ભગવાનની પૂજાની સાથે રોજ સવારે સ્ટાફના લોકો સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે – દિપકભાઇ ખખ્ખર
  • પિયુષનો વિચાર બધાને ખૂબ પસંદ પડ્યો અને એ વિચાર અમે અપનાવી દરરોજ રાષ્ટ્રગીત ગાવાની શરૂઆત કરી દીધી

WatchGujarat. દેશમાં આજે 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ઠેર-ઠેર ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાત રાજકોટનાં એક એવા શોરૂમની કે જ્યાં માત્ર 26 જાન્યુઆરી અને 15 ઓગષ્ટ જ નહીં રોજ સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરી દિવસની શરૂઆત થાય છે. જી હાં… શહેરનાં ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલા રેશમ નામના લેડીઝવેરનાં શોરૂમનાં માલિક અને સ્ટાફ દ્વારા દરરોજ સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે.

સામાન્ય રીતે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ લોકો રાષ્ટ્રગીતનું ગાન કરતા હોય છે. પરંતુ ધર્મેન્દ્ર રોડ મુખ્ય બજારમાં આવેલા રેશમ લેડીઝવેરનાં શોરૂમમાં સમગ્ર દેશ ગૌરવ લઈ શકે એવો રાષ્ટ્રપ્રેમ જોવા મળે છે. આ શોરૂમમાં દરરોજ રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કરવામાં આવી રહ્યું છે. શોરૂમના માલિક દિપકભાઇ ખખ્ખર કહે છે કે, સામાન્ય રીતે વેપારીઓ પોતાના ધંધા-રોજગારની શરૂઆત ભગવાનની આરતી ઉતારી, દિવાબતી કરી પૂજા સાથે કરતા હોય છે. પરંતુ અમારા શોરૂમમાં ભગવાનની પૂજાની સાથે રોજ સવારે સ્ટાફના લોકો સાથે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી શોરૂમમાં રોજ સવારે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે. આ રીતે રોજ પ્રાર્થના અને રાષ્ટ્રગીતનું ગાન કરવાથી શોરૂમમાં અને માણસોમાં કામ કરવાની અલગ જ ઊર્જા રહે છે. તેમજ દિવસ દરમિયાન કામ કરવામાં આનંદ આવે છે 3 વર્ષ પૂર્વે અમે આખો શોરૂમ રિનોવેટ કર્યો ત્યારબાદ સ્ટાફના દરેક લોકો પાસેથી સૂચન મંગાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન સ્ટાફનાં લોકોએ અનેક મહત્વના સૂચન કર્યા હતા. જેમાં પિયુષ રાઠોડ નામના કર્મીએ જણાવ્યું હતું કે, આપણે પ્રાર્થનાની સાથે સાથે રાષ્ટ્રગીત પણ ગાવું જોઈએ. પિયુષનો આ વિચાર બધાને ખૂબ પસંદ પડ્યો અને એ વિચાર અમે અપનાવી દરરોજ રાષ્ટ્રગીત ગાવાની શરૂઆત કરી દીધી છે. અને આજે આ વાતને 3 વર્ષ થઈ ગયા છે. અમારે ત્યાં 26 જાન્યુઆરી અને 15 ઓગષ્ટ સહિત 365 દિવસ દેશભક્તિ જોવા મળે છે.

Facebook Comments Box

Videos

Our Partners