• સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે હિંગળાજ નગર ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધ વજુભાઈ ચોટલીયાએ પુત્ર રવિ પાસે રૂપિયાની માંગણી કરી
  • ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને  ઢીંકાપાટુનો માર મારતા તેઓ દીવાલ સાથે અથડાયા
  • વજુભાઈનાં પત્નીએ તેઓને સારવાર માટે ખસેડયા

WatchGujarat. શહેરમાં પુત્રના હાથે પિતાની હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક હિંગળાજ નગરમાં પિતાએ રૂપિયાની માંગણી કરતા કળિયુગી પુત્રએ ઢોર માર માર્યો હતો. ઘટનાને લઈને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પિતાને સારવારમાં ખસેડી લેવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ ખાતે ફરજ પર રહેલા ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા મામલો હત્યામાં પલટાયો છે. હાલ તો પોલીસે હત્યારા નરાધમ પુત્રને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે હિંગળાજ નગર ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધ વજુભાઈ ચોટલીયાએ પુત્ર રવિ પાસે રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને  ઢીંકાપાટુનો માર મારતા તેઓ દીવાલ સાથે અથડાયા હતા. દરમિયાન ગંભીર ઇજા પહોંચતા વજુભાઈનાં પત્નીએ તેઓને સારવાર માટે ખસેડયા હતા. જો કે ત્યાં પહોંચતા પૂર્વે પિતાનું પ્રાણપંખેરૂ ઉડી જતા ફરજ પર રહેલા તબીબે તેમને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે વજુભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારા પુત્ર રવિને પણ સકંજામાં લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્ર રવિ સર્વિસ સ્ટેશનમાં વાહન વોશિંગ કરવાનું કામ કરતો હોવાનું અને પોતાની પાસે રૂપિયાની સગવડ નહીં હોય પિતાએ રૂપિયા માંગતા ઉશ્કેરાઇને પગલું ભર્યું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે મૃતકનાં સંબંધી તેમજ પાડોશીઓની પૂછપરછ શરૂ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે નજીવી બાબતે પિતાને મોતને ઘાટ ઉતારનાર પુત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners