• રાજકોટ શહેરમાં સૌપ્રથમ ઢેબર રોડ ઉપર સ્માર્ટ પાર્કિંગ ઉભુ કરવામાં આવ્યું
  • મ્યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા અહીં સ્થળ મુલાકાત કરવામાં આવી હતી
  • પ્રથમ સ્માર્ટ પાર્કિંગની ટ્રાયલ લેવામાં આવી, આ અંગેના રિવ્યુ પણ લેવાયા 

WatchGujarat. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાર્કિંગની સુવિધા વધારવા નવા પે એન્ડ પાર્ક બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સૌપ્રથમ ઢેબર રોડ ઉપર સ્માર્ટ પાર્કિંગ ઉભુ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા અહીં સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. અને પ્રથમ સ્માર્ટ પાર્કિંગની ટ્રાયલ લેવામાં આવી હતી. સાથે જ આ અંગેના રિવ્યુ પણ લેવાયા હતા. ટ્રાયલ સફળ થતા હવે આગામી દિવસોમાં બીજા 24 સ્થળોએ પણ આ પ્રકારના સ્માર્ટ પાર્કિંગ ઉભા કરવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે મ્યુ. કમિશ્નરે જણાવ્યું હતું કે, હાલ શહેરમાં વાહન પાર્ક કરતી વખતે 3-4 કલાકનો ચાર્જ લેવામાં આવે છે. પરંતુ સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કર્યા બાદ પરત જતી વખતે ચાર્જ ચૂકવવાનો રહેશે. આ કિઓસ્કમાં ચાલક જ્યારે વાહનને પાર્ક કરવા જશે ત્યારે જ તેને ક્યુઆર કોડવાળી ટિકિટ મળશે. પરત જતી વખતે એ ટિકિટ સ્કેન કરતા જેટલો સમય વાહન પાર્કિંગમાં રહ્યું હશે તેનું જ બિલ બનશે અને તે ચૂકવતા જ ગેટ ખૂલી જશે. આ માટે ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા પણ છે. એટલું જ નહીં આ સ્માર્ટ પાર્કિંગ મનપાની એપ સાથે જોડાયેલા હોવાથી વાહનચાલક ત્યાં પહોંચતા પહેલા જ જગ્યા છે કે નહીં તે જાણી શકશે.

જાણો સ્માર્ટ પાર્કિંગમાં વાહન પાર્ક કરવાની પદ્ધતિ

વાહન પાર્કિંગ માટે પહોંચશે ત્યારે એન્ટ્રી ગેટ ઉપર બેરિકેડ હશે, સાથે ડ્રાઈવર સાઈડ પર કિઓસ્ક હશે જેમાં વિગતો નાખતા જ ક્યુઆર કોડ ધરાવતી ટિકિટ નીકળશે. ટિકિટ નીકળતા જ બેરિકેડ ખૂલી જશે તેથી વાહન અંદર લઈ જઈને ખાલી જગ્યાએ પાર્કિંગ કરી દેવાનું રહેશે. આ સમયે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.

બાદમાં વાહન પરત લઈ જતી વખતે એક્ઝિટ ગેટ પર કિઓસ્ક હશે. જ્યાં પ્રવેશ વખતે અપાયેલી ક્યુઆર કોડવાળી ટિકિટ સ્કેન કરાતા જેટલો સમય થયો તેટલો ચાર્જ બતાવશે. ત્યારબાદ ઓનલાઈન, યુપીઆઈ કે કેશ પેમેન્ટ મારફત ચૂકવણી કરવાની રહેશે.

ટીકીટ મુજબનાં ચાર્જની ચૂકવણી થતાં જ એક્ઝિટ ગેટ ખૂલશે અને ત્યાંથી વાહન બહાર લઈ જઈ શકાશે

ઉલ્લેખનીય છે કે, હાલ શહેરમાં વાહન પાર્ક કરવા માટે જરૂરી વ્યવસ્થા નહીં હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સુવિધાના અભાવે આડેધડ પાર્કિંગ થતા ઠેર-ઠેર ટ્રાફિકજામનાં પ્રશ્નો સામે આવે છે. ત્યારે મહાનગરપાલિકાનાં સ્માર્ટ પાર્કિંગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવાનો તંત્રનો પ્રયાસ તો સારો છે. પણ જો અહીં લોકોને પરવડે તેવો ચાર્જ રાખવામાં આવશે તો જ આ યોજના સફળ બની શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud