• રાજકોટમાં કોરોના વેકસીન લીધી ન હોય તેવા લોકોને સર્ટીફીકેટ આવ્યા હોવાનું સામે આવ્યું
  • નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે ટેક્નિકલ ખામીને કારણે આવું બન્યું હોવાનું જણાવ્યું
  • કેટલાક લોકોને અચાનક જ રસીના બંને ડોઝ લઈ લીધા હોવાના મેસેજ સાથે રસી લીધાનું સર્ટીફિકેટ આપી દેવાયા

WatchGujarat. દેશભરમાં રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને મહાનગરો વચ્ચે સૌથી વધુ આંકડા બતાવવાની રીતસર હોડ જામી છે. ત્યારે રાજકોટમાં કોરોના વેકસીન લીધી ન હોય તેવા લોકોને સર્ટીફીકેટ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે ટેક્નિકલ ખામીને કારણે આવું બન્યું હોવાનું જણાવ્યું હતું. કેટલાક લોકોને અચાનક જ રસીના બંને ડોઝ લઈ લીધા હોવાના મેસેજ સાથે રસી લીધાનું સર્ટીફિકેટ આપી દેવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ, શનિવારે અને સોમવારે કેટલાક લોકોને મેસેજ મળ્યા કે તેમણે રસીના બંને ડોઝ લઈ લીધા છે. અને તેઓ સર્ટીફિકેટ કોવિન એપ પરથી ડાઉનલોડ કરી શકશે. એટલું જ નહીં જ્યારે આ રસી લીધાનું સર્ટીફિકેટ ડાઉનલોડ કરવામાં આવ્યું તો ખરેખર તેમાં લખ્યું હતું કે રસીના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે. સાથે રસીકરણ સેન્ટરનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક સર્ટીફિકેટમાં સદર રસીકરણ કેન્દ્ર અને એકમાં રામનાથપરા રસીકરણ કેન્દ્રનો ઉલ્લેખ છે. સાથે રસી કોણે આપી એ વિગતો પણ નોંધવામાં આવી છે.

સર્ટીફિકેટમાં બીજો ડોઝ લેવા માટેની અપોઈન્ટમેન્ટની વિગતો નથી. કારણ કે રસીના બીજા ડોઝ લેવા માટે કોઈ નોંધણી થઈ જ નથી. અને રસીનો બીજો ડોઝ લેવામાં પણ નથી આવ્યો. ત્યારે રસી લીધાનું સર્ટીફિકેટ કયા આધારે આપવામાં આવ્યું ? બીજો પ્રશ્ન એ પણ થાય છે કે જે લોકોએ કોઈને કોઈ કારણોસર રસીનો બીજો ડોઝ લીધો નથી અને તેમના નામનું સર્ટીફિકેટ બની ગયું છે. ત્યારે હવે ખરેખર તેઓ રસી લેવા જશે ત્યારે તેમને રસીનો બીજો ડોઝ અપાશે કે નહીં ? આ વાતને લઈને લોકોમાં અનેક ચર્ચાઓનો દોર ઉઠી રહ્યો છે.

આ અંગે મહાપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી પંકડ રાઠોડે જણાવ્યું કે તેમને સવારથી આ પ્રકારની ફરિયાદો મળી રહી છે. આ કામ ટારગેટ પુરા કરવા માટે કરવામાં નથી આવ્યું. પરંતુ શક્ય છે કે કોઈ ટેકનીકલ એરર હોય અથવા તો બીજા કોઈ કારણે આવું બન્યું હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સાથે જ સમગ્ર મામલે તપાસ કરીને સત્ય બહાર લાવવાની ખાતરી પણ તેમનાં દ્વારા આપવામાં આવી છે. અને જો કોઈપણ ગેરરીતી જણાય તો જવાબદારો સામે પગલાં લેવાનું પણ તેમણે કહ્યું છે. ત્યારે હવે આ મામલે ક્યારે અને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud