• મનપાની સતાવાર યાદી મુજબ, ડેન્ગ્યુના કેસ છેલ્લા 3 સપ્તાહથી વધી રહ્યા છે
  • તા.1-11થી 07-11 દરમ્યાન ડેંગ્યુના નવા 46 દર્દી નોંધાતા ચોપડા પર સત્તાવાર રીતે દર્દીઓનો આંકડો 319 થયો
  • ખાનગી દવાખાનાઓમાં પણ ડેંગ્યુ મેલેરીયાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો

WatchGujarat. શહેરમાં તહેવારો પુરા થયા બાદ રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં કોરોના શાંત પડી ગયો છે પણ મચ્છરજન્ય ડેંગ્યુનાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. અને એક સપ્તાહમાં ખતરનાક ડેંગ્યુ તાવના વધુ 46 દર્દીઓ નોંધાતા સિઝનના કુલ દર્દીઓ 319ને પાર થઇ ગયા છે. તો મેલેરીયાના 3 અને ચિકનગુનિયાનો 1 કેસ પણ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આ સાથે જ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એટલું જ નહીં ખાનગી દવાખાનાઓમાં પણ ડેંગ્યુ અને મેલેરીયાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મનપાની સતાવાર યાદી મુજબ, ડેન્ગ્યુના કેસ છેલ્લા 3 સપ્તાહથી વધી રહ્યા છે કારણ કે, અત્યાર સુધી ડેન્ગ્યુના ટેસ્ટ કરવા માટે માત્ર સિવિલ પાસે એક લેબ હતી પણ હવે એન્ટિજન કિટ આવી છે. જેથી ઝડપથી ટેસ્ટ થઈ શકે છે. આ કારણે ટેસ્ટ કરવાની સંખ્યા વધતા વધુમાં વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. 1 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન ડેન્ગ્યુના 46 કેસ સાથે કુલ 319 કેસ થયા છે. આ સિવાય મલેરિયાના 48 જ્યારે ચિકનગુનિયાના 22 કેસ થયા છે.

આરોગ્ય શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક આંકડા મુજબ ગત તા.1-11થી 07-11 દરમ્યાન ડેંગ્યુના નવા 46 દર્દી નોંધાતા ચોપડા પર સત્તાવાર રીતે દર્દીઓનો આંકડો 319 થયો છે. તો મેલેરીયાના 3 સહિત કુલ 48 અને ચિકનગુનિયાના 1 સહિત કુલ 22 કેસ નોંધાયા છે. જોકે ખાનગી દવાખાનાઓમાં પણ ડેંગ્યુ મેલેરીયાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેને પગલે ફરીથી એકવાર રોગચાળો શહેરને બાનમાં લેતો હોય તેમ લાગી રહ્યું છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે ફોગીંગ સહિતની કામગીરી વધારવામાં આવી છે.

મચ્છરજન્ય રોગચાળા અટકાયત પગલાના ભાગરૂપે આરોગ્ય અને મેલેરીયા શાખા દ્વારા સઘન સર્વે અને ચકાસણીની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન 4,680 મકાનોમાં ફોગીંગ કરીને 46,631 પાણીના ટાંકામાં દવા નાંખી પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. જુદા જુદા પ્રકારની મિલકતોની ચકાસણી કરાતા 836 જગ્યાએ બેદરકારીથી મચ્છરની ઉત્પતિ થયાનું દેખાયું હતું. જે બદલ રૂા.12,050 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો 425 જગ્યાએ ચકાસણી કરવામાં આવી હતી. તેમજ શહેરની 10 બાંધકામ સાઈટ અને 15 કારખાનાઓ મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર હોવાનું જણાતા નોટિસ ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગઇકાલે કોરોનાનાં એકસાથે 4 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આજે બપોર સુધીમાં એક પણ કેસ ન નોંધાતા રાહતનો શ્વાસ લીધો છે. દિવાળી બાદ સંક્રમણ વધે તેવી ચર્ચા થઇ રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42850 પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં રિકવરી રેટ 98.1 ટકા અને પોઝિટિવિટી રેટ 2.5 ટકા નોંધાયો છે. કુલ 14,52,935 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 8 થઇ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud