• ત્રિકોણબાગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં રહેલા વાહનો ડીટેઇન કરવામાં આવી રહ્યા હતા
  • થોડી મિનિટો માટે એસબીઆઈ બેંકમાં ગયેલા એક યુવકનું બાઈક પણ પોલીસે ડીટેઇન કરી ટોઇંગવેનમાં મૂક્યું  
  • રોષે ભરાયેલ યુવક અચાનક ટોઈંગવેન સામે રસ્તા ઉપર સુઈ ગયો અને પોતાનું બાઈક નીચે ઉતારવા બુમો પાડવા લાગ્યો

WatchGujarat. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને અવારનવાર ટ્રાફિક પોલીસ અને લોકોની વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં ત્રિકોણબાગ પાસેથી નો-પાર્કિંગમાં પાર્ક કરેલું બાઈક ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યું હતું. જોકે પોતાનું બાઈક ટો કરાતા રોષે ભરાયેલો યુવક ટોઈંગવેન સામે રસ્તા પર સુઈ ગયો હતો. આ દ્રશ્યોને કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરનાં ત્રિકોણબાગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો-પાર્કિંગમાં રહેલા વાહનો ડીટેઇન કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન થોડી મિનિટો માટે એસબીઆઈ બેંકમાં ગયેલા એક યુવકનું બાઈક પણ પોલીસે ડીટેઇન કરી ટોઇંગવેનમાં મૂક્યું હતું. બરાબર આ સમયે જ બાઈક માલિક યુવક ત્યાં આવી પહોંચ્યો હતો. અને પોતે એકાદ બે મિનિટ માટે બાઈક પાર્ક કર્યું હોવાની રજૂઆત કરી હતી.

જો કે ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને નિયમનાં ભંગ બદલ દંડ ભરશે તો બાઈક છોડવામાં આવશે તેવું જણાવ્યું હતું. જેને લઈને રોષે ભરાયેલો આ યુવક અચાનક ટોઈંગવેન સામે રસ્તા ઉપર સુઈ ગયો હતો. અને પોતાનું બાઈક નીચે ઉતારવા અથવા પોતાની ઉપર ટોઇંગવેન ચડાવી દેવાની બુમો પાડવા લાગ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પણ આ દ્રશ્યો જોવા એકઠા થઇ ગયા હતા. જેને પગલે બાદમાં ટ્રાફિક પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગુનાખોરો બેફામ બન્યા છે. ત્યારે પોલીસ દ્વારા ક્રાઈમની ઘટનાઓ અટકાવવાને બદલે ટ્રાફિક નિયમોના ભંગ બદલ સામાન્ય લોકો પાસે મસમોટો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અને પોલીસનું કામ માત્ર સામાન્ય લોકોને પરેશાન કરી મોટી રકમ વસુલ કરવાનું હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. જેને લઈને પોલીસ અને લોકો વચ્ચે અવારનવાર ઘર્ષણનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરવાને બદલે પોલીસ ગુનેગારોને પકડવામાં વધુ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners