• શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની જાણે બસમાં સવાર લોકોને કાંઈ પડી જ ન હોય અને કોરોના હોય જ નહીં તેવું લાગી રહ્યું છે
  • રાજકોટમાં તાજેતરમાં 11 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા બાદ પણ તંત્ર કેવી રીતે નિયમોનું પાલન કરાવે છે તે જોવા માટે વિડીયો કાફી છે
  • સિટી બસોમાં માસ્ક – સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં બધા નિયમોનો સરેઆમ ઉલાળીયો થતો હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે

WatchGujarat. શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અને નેતાઓ દ્વારા કોવિડ નિયમોના ભંગની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ત્યારે લોકો પણ ગંભીર બેદરકારી દાખવતા હોવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને સિટીબસમાં તો અવારનવાર માસ્ક વિના મુસાફરોનાં મેળાવડા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં મ્યુ. કમિશ્નરે આ બાબતે જ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે વધારે ટ્રાફિકવાળા રૂટ ઉપર બસો વધારવાનું જાહેર કર્યું હતું. ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલા આ દાવાઓ વચ્ચે સિટીબસમાં માસ્ક વિના મુસાફરોના મેળાવડાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સિટીબસમાં એક તો ઘેંટા-બકરાની માફક મુસાફરો ભરવામાં આવ્યા છે. બીજીતરફ આ પૈકીનાં મોટાભાગના લોકોએ તો માસ્ક પહેરવાની તસ્દી પણ લીધી નથી. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની જાણે બસમાં સવાર લોકોને કાંઈ પડી જ ન હોય અને કોરોના હોય જ નહીં તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે સવારે 7થી9 દરમિયાન છાત્રોની અવરજવર હોય આવા દ્રશ્યો મોટા ભાગની બસોમાં જોવા મળતા હોય છે. ત્યારે ફરી એકવાર આ વિડીયો વાયરલ થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટમાં તાજેતરમાં 11 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોય એક તરફ મનપા તંત્ર દ્વારા ગાઈડ લાઇન્સનું ચુસ્ત પણે પાલન કરતા હોવાનું જાહેર કરવામાં આવે છે. બીજી તરફ મનપાનાં નાક નીચે સિટી બસોમાં માસ્ક – સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં બધા નિયમોનો સરેઆમ ઉલાળીયો થતો હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એટલું જ નહીં ભીડવાળા વાન તેમજ રિક્ષાઓ ડિટેઇન કરીને બહાદુરી દેખાડતા આરટીઓ તંત્રને અને લોકો સામે દંડો ઉગામતા પોલીસ તંત્રને પણ કોર્પો.ની સીટી બસની હાલત નજરે ન પડતી હોય તેમ કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ બેદરકારી ખરેખર ભારે પડવાની શક્યતા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સિટી – બીઆરટીએસ બસ સિટીની લાઈફ લાઈન છે. લોકો તેનો બહોળી સંખ્યામાં ઉપયોગ કરતા હોય છે. ત્યારે મનપા દ્વારા આ માટે કામ કરતી એજન્સીને સૂચના આપી છે કે, મર્યાદા કરતા વધુ પેસેન્જર બેસાડે નહીં. પરંતુ લોકોને ઉતાવળ હોવાથી આવા દ્રશ્યો સર્જાતાં હોય છે. જેને લઈને પીકઅવરમાં શક્ય તેટલી બસો વધારી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે. જોકે હજુ સુધી બસની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud