• ન્યારીના દરવાજાનું રિપેરિંગ કામ ગોકળગાયની ગતિથી ચાલી રહ્યું છે
  • સમયસર નર્મદા નીર નહીં ઠલવાય તો ન્યારી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પહોંચતુ કરવા માટેની વિતરણ વ્યવસ્થા વેરવિખેર થઇ જવાની ભીતિ
  • અડધુ પાણી તો બાષ્પીભવનમાં ચાલ્યુ જાય તેમ હોય સમયસર નર્મદાનાં નીર ડેમમાં નહીં આવે તો કટોકટી ગંભીર બની શકે તેમ હતી

WatchGujarat. ઘરઆંગણેના જળાશયોમાં આજી ડેમમાં તો ચોમાસુ આવે ત્યાં સુધી નર્મદાના નીર ઠલવાઇ ગયુ છે. પરંતુ ન્યારી-1 ડેમ આધારિત લાખો લોકોની ઉપર જળ સંકટના વાદળો હતા. આ દરમિયાન રાહતના સમાચાર મળી રહ્યા છે. જેમાં શહેરનાં પશ્ચિમ રાજકોટની તરસ છીપાવવા સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા શરૂ કરવામાં આવ્યું છે. હાલ ડેમના 9 દરવાજા પૈકી 6 દરવાજાનુ રિપેરીંગ કામ પુર્ણ થઇ ચુક્યુ છે. જેને લઈને બાકીના દરવાજાના રિપેરિંગને અસર ન થાય એ રીતે સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

જાણવા મળતી વિગત અનુસાર, ન્યારીના દરવાજાનું રિપેરિંગ કામ ગોકળગાયની ગતિથી ચાલી રહ્યું છે. અને એપ્રિલના મધ્ય સુધી કામ ચાલે તેમ છે. બીજીબાજુ ડેમ તળિયાઝાટકના આરે છે. ચિંતાજનક હાલત એ હતી કે, સમયસર નર્મદા નીર નહીં ઠલવાય તો ન્યારી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પહોંચતુ કરવા માટેની વિતરણ વ્યવસ્થા વેરવિખેર થઇ જશે. જો કે ડેમની ઉંચાઇ વધ્યા બાદ ગેટના મેઇન્ટેનન્સમાં રબર સીલનું કામ કરવુ પડે તેમ છે. અને 11 ગેટ પૈકી હાલ માત્ર 6 ગેટમાં જ આ કામ થઇ શક્યું છે. બાકીના ગેટનું કામ પુરુ થતા એપ્રિલના મધ્ય સુધીનો સમય થઇ જાય તેમ છે.

બીજીબાજુ ઉનાળાના દિવસો શરૂ થઇ ગયા છે. અને અડધુ પાણી તો બાષ્પીભવનમાં ચાલ્યુ જાય તેમ હોય સમયસર નર્મદાનાં નીર ડેમમાં નહીં આવે તો કટોકટી ગંભીર બની શકે તેમ હતી. જો કે આ દહેશત વચ્ચે નર્મદામૈયા તારણહાર બનીને આવી ગયા છે. ડેમના બાકીના દરવાજાના રિપેરિંગ કામને અસર ન થાય એ રીતે સૌની યોજના હેઠળ ગઇકાલથી ન્યારી-1માં નર્મદા નીર આપવાનું શરૂ કરી દેવામા આવ્યું છે. અને કુલ 200 એમ.સી.એફ.ટી. નર્મદાનાં નીર ન્યારી-1 ડેમમાં ઠાલવવામાં આવનાર છે.

Facebook Comments Box

Videos

Our Partners