• ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે તેમ છતાં અવારનવાર લાખો રૂપિયાની કિંમતનો દારૂ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે
  • ગતરોજ રાજકોટમાં સગર્ભા મહિલા જોડે ગેર વર્તણુંકનો કિસ્સો સામે આવ્યો
  • રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં દારૂના નશામાં છાકટા બનેલા અસામાજિક તત્વો દ્વારા મહિલાઓ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો

WatchGujarat. શહેરનાં માધાપર ધાર વિસ્તારમાં આવારા તત્વોનાં આતંકની ઘટના સામે આવી છે. જેમાં કેટલાક શખ્સો દ્વારા ગતરોજ ગર્ભવતી મહિલા સહિતનાંઓને માર મારવામાં આવ્યા હોવાનાં આક્ષેપ સાથે લોકોના ટોળા એકઠા થયા હતા. અને અસામાજીક તત્વોએ દારૂના નશામાં છરી વડે હુમલાનો પ્રયાસ કરવા સાથે પથ્થરમારો પણ કર્યો હોવાનું જણાવ્યું હતું. મીડિયામાં અહેવાલો પ્રકાશિત થતા સ્થાનિક પોલીસ પણ દોડી ગઈ હતી. અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ વિસ્તારમાં રહેતા પ્રિયાંશીબા જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા ઘર સામે 6-7 લોકો અભદ્ર ભાષામાં વાતચીત કરતા હતા. જેને લઈને મારા નણંદ ત્યાં ગયા હતા, અને ગાળો બોલવા માટે ના પાડી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા આ શખ્સો તેઓને પણ માર મારવા લાગ્યા હતા. જેમાં પથ્થર અને પાઇપથી માર મારતા અમે પણ દોડી ગયા હતા. તેમ છતાં આ લોકો નાસી જવાને બદલે ચાકુ બતાવી ડરાવવા લાગ્યા હતા.

એટલું જ નહીં હું ગર્ભવતી હોવા છતાં મને પણ એક પાઇપ મારી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. લાલો નામનાં શખ્સ સહિત સાતેક લોકો દ્વારા પથ્થરોનાં ઘા કરી મહિલાઓ સહિત બાળકોને પણ માર મારવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. સાથે જ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આરોપીઓ લાંબા સમયથી દારૂ પીને આ વિસ્તારના લોકોને પરેશાન કરતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

નોંધનીય છે કે, ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે તેમ છતાં અવારનવાર લાખો રૂપિયાની કિંમતનો દારૂ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે. ત્યારે રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં દારૂના નશામાં છાકટા બનેલા અસામાજિક તત્વો દ્વારા મહિલાઓ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે માધાપર વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. જેના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો છે. ત્યારે પીડિતો દ્વારા તાત્કાલીક અસામાજિક તત્વોની ધરપકડ થાય તેમજ પીડિતોને ન્યાય મળે તે પ્રકારની માગણી કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud