• આજે બપોરે એક મહિલાએ કલેક્ટર કચેરીએ ફિનાઈલ પી લેતા પોલીસ કાફલો દોડી ગયો
  • ચેતનાબેને 7 વર્ષ પહેલાં બજાજ ફાઇનાન્સમાંથી લીધેલી લોન નહીં ભરાઇ હોવાનું કહીને બેન્ક દ્વારા મકાન સીલ કરવામાં આવ્યું હોવાથી આ પગલું ભર્યુ
  • 15 દિવસ પૂર્વે કલેક્ટરને અરજી કરી ન્યાયની માંગ પણ કરી, જો કે આમ છતાં કોઈપણ કાર્યવાહી નહીં થતા પોતે છેલ્લું પગલું ભર્યું

WatchGujarat. કલેક્ટર કચેરીએ એક મહિલાએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બજાજ ફાઇનાન્સ પાસેથી લીધેલી લોન ભરી હોવા છતાં મકાન સીલ થતા આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. આ સાથે આ અંગે પખવાડિયા પહેલા કલેક્ટરમાં અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થયાનું પણ તેણી જણાવી રહી છે. એટલું જ નહીં અગાઉ તેણીના પતિ દ્વારા પણ આપઘાત કરાયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ મહિલાને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરે એક મહિલાએ કલેક્ટર કચેરીએ ફિનાઈલ પી લેતા પોલીસ કાફલો દોડી ગયો હતો. તેમજ આ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ ચેતનાબેન પીઠવા હોવાનું સામે આવ્યું છે. ચેતનાબેને 7 વર્ષ પહેલાં બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી. જે નહીં ભરાઇ હોવાનું કહીને બેન્ક દ્વારા મકાન સીલ કરવામાં આવ્યું હોવાથી તેણીએ આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.

મહિલાનાં કહેવા મુજબ તેણે પતિ બીપીનભાઈ સાથે મળીને આ લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં બેંકનાં રિકવરી એજન્ટો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે જ પતિ બીપીનભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ અંગે તેણીએ 15 દિવસ પૂર્વે કલેક્ટરને અરજી કરી ન્યાયની માંગ પણ કરી હતી. જો કે આમ છતાં કોઈપણ કાર્યવાહી નહીં થતા પોતે છેલ્લું પગલું ભર્યું હોવાનો આક્ષેપ તેણે કર્યો છે. જેને લઈને હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud