• સોમવારે સાંજે 5 થી રાતે 11.16 કલાક સુધી વેબસાઈટ બંધ રહેતા દેશમાં દેકારો મચ્યો હતો
  • અચાનક ઓનલાઈન ટિકિટ સેવા ઠપ થવા પાછળ ટેક્નિકલ ખામી કે મેઇન્ટેનન્સની સ્પષ્ટતા કરાઈ નથી
  • દેશમાં 6 કલાકમાં ઓનલાઈન 2 લાખથી વધુ રેલ ટિકિટો બુક થઈ શકી નહીં કે રદ પણ
  • ટિકિટ બુક નહિ થવા છતાં કેટલાય મુસાફરોના રૂપિયા કપાયા, જે ઓટો ક્રેડિટ થઈ જશે

વિક્કી જોશી. દેશમાં ઓનલાઈન રેલવે ટિકિટ માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન IRCTC ની વેબસાઈટ અને એપ સોમવારે 6 કલાક સુધી ઠપ થઈ જતા દેશમાં દેકારો મચી ગયો હતો. લાખો લોકો ટ્રેન રિઝર્વેશન, કેન્સેલેશન કરી શક્યા ન હતા.

રેલવેની ONLINE E-TICKETING સેવા સોમવારે દેશમાં અચાનક બંધ થઇ જતાં લાખો લોકો અટવાઈ ગયા હતા. IRCTC ની વેબસાઈટ અને એપ બન્ને કામ કરતા અચાનક બંધ થઈ જવાથી લગ્નસરા અને હનીમૂનની મૌસમમાં જ દેશભરના યાત્રીઓને 6 કલાક સુધી યાતના ભોગવવાનો વારો આવ્યો હતો.

સાંજે 5 કલાક આસપાસ બંધ થઈ ગયેલી IRCTC ની વેબસાઈટ રાતે 11.15 કલાક બાદ કાર્યરત થઈ હતી. જેને લઈ ટ્વીટર ઉપર અટવાઈ ગયેલા મુસાફરોએ ટ્વિટ કરી ભારે મારો ચલાવ્યો હતો. IRCTC એ વેબસાઈટ ઠપ થવા અંગે ટેક્નિકલ ક્ષતિ કે મેઇન્ટેનન્સ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

દેશમાં 6 કલાક સુધી ઓનલાઈન ઇ-ટિકિટિંગ સેવા બંધ રહેતા 2 લાખથી વધુ ટિકિટ નીકળી શકી ન હતી. જ્યારે 14.33 લાખથી વધુ પેસેન્જરોને IRCTC ની ઓનલાઈન રિઝર્વેશન સર્વિસથી વંચિત રહેવું પડયું હતું. તો IRCTC ને પણ 6 કલાક સેવા બંધ થઈ જતા રૂપિયા 23.32 કરોડથી વધુનો રેવેન્યુ લોસનો થયો હતો.

ટિકિટ બુક ન થવા સાથે નાણાં પણ કપાયા, મેઈલ અને કસ્ટમર કેર ઉપર લાખો યુઝર્સનો મારો

IRCTC ની વેબસાઈટ અને એપ ખોટકાતા દેશમાં હજારો યુઝર્સની ટિકિટ બુક ન થવા છતાં પણ ટિકિટના નાણાં કપાઈ ગયા હતા. જે અંગે પણ લોકોએ ફરિયાદ અને પૃચ્છા કરવા IRCTC ના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ, વેબસાઈટ, મેઈલ અને હેલ્પલાઇન-કસ્ટમર કેર નંબરો ઉપર સતત મારો ચલાવ્યો હતો. યુઝર્સે રેલમંત્રીને પણ ફરિયાદો કરી હતી.

IRCTC ની ઓનલાઈન ટિકિટિંગ સર્વિસ ઉપર એક નજર

  • 8.27 લાખ રોજની સરેરાશ ટિકિટ બુક
  • 14.33 લાખ પેસેન્જર રોજના ઓનલાઈન સેવાનો લાભ લે છે
  • રૂ. 93.30 કરોડ સરેરાશ 24 કલાકની આવક

કોરોના વચ્ચે પણ ચાલુ વર્ષે રૂ. 17761 કરોડ ઇ-ટિકિટિંગની આવક, 3052 લાખ યાત્રીઓએ લીધો લાભ

IRCTC ઉપરથી કોરોના કાળમાં પણ વર્ષ 2020-21 માં 3052.67 લાખ મુસાફરોએ 1740.46 લાખ ઇ-ટિકિટ બુક કરાવી છે. જેની આવક રૂ. 17761.60 કરોડ થાય છે.

જ્યારે વર્ષ 2019-20 માં 5229.02 લાખ પેસેન્જરોએ ઓનલાઈન 3019.04 લાખ ટિકિટ કઢાવતા આવક રૂ. 34054.74 કરોડ થઈ હતી.

80 ટકા રિઝર્વ ટિકિટ ઓનલાઈન નીકળે છે, 20-21 માં રૂ. 2300 કરોડનું રિફંડ ચૂકવાયું

ડિજિટલ ઇન્ડિયા અને કોરોના કાળમાં દેશમાં 80 % રિઝર્વેશન ટિકિટ IRCTC પરથી જ કાઢવામાં આવે છે. જ્યારે 20 % જ દેશમાં આવેલા રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પરથી લોકો કઢાવે છે.

વર્ષ 2020 અને 21 ના નાણાંકીય વર્ષમાં લોકડાઉન અને કોરોનનાં કારણે લાખો લોકોએ રિઝર્વેશન ટિકિટ કેન્સલ કરાવી હતી. જેમાં IRCTC એ ટિકિટ કેન્સલેશનના મુસાફરોને રૂપિયા 2300 કરોડનું ચુકવણું કર્યું હતું.

22 વર્ષ પહેલાં IRCTC ની રૂ. 20 કરોડથી શરૂઆત, આજે માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 20,000 કરોડ

ભારતીય રેલવે મંત્રાલય હેઠળ આવતી ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશનની સ્થાપના 27 સપ્ટેમ્બર 1999 માં કરાઈ હતી. ત્યારે રૂ. 20 કરોડથી શરૂ થયેલી આજની લિસ્ટેડ કંપનીનું 22 વર્ષમાં માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 20,000 કરોડ ઉપર પહોંચી ગયું છે. જેના સભ્યો 2 કરોડ નોંધાયેલા યુઝર્સ છે.

IRCTC ની મુખ્ય સર્વિસિસ

ઇ-ટિકિટ અને કેટરિંગથી શરૂ થયેલી IRCTC આજે તેજસ એકસપ્રેસ ટ્રેન સાથે બસ, ટ્રેન, હોટલ, લોન્જ, રિટાયરિંગ રૂમ, ડિલક્ષ, મહારાજા ટ્રેન, હિલ રેલવેઝ, ક્રુઝ, ચાર્ટર બુકીંગની સર્વિસ પણ પુરી પાડે છે. સાથે ધાર્મિક, પર્યટનના ટ્રેન, હવાઈ, જળ અને રોડમાર્ગના દેશ અને વિદેશના પેકેજો પણ પુરા પાડી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners