• રાજ્યમાં CNGના ભાવ 65 રૂપિયાને પાર પહોંચ્યો,એક મહિનામાં રૂ.8.69નો ભાવ વધારો થતા રીક્ષાચાલકોમાં નારાજગી
  • CNGનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે આજથી ગુજરાતના 15 લાખથી વધુ રીક્ષાચાલકોની 36 કલાકની હડતાળ
  • ટેક્સીચાલકોએ પણ રીક્ષાચાલકોના આંદોલનને સમર્થન આપ્યું, પરંતુ હડતાળમાં જોડાવા અંગે રીક્ષાચાલકોના યુનિયનમાં જ મતમતાંતર
  • ભાજપના પ્રતિનિધિને બોલાવી નિર્ણય લેવાયો : યુનિયનના પ્રમુખ

WatchGujarat. તહેવારોની શરૂઆતની સાથે સાથે પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં નોંધપાત્ર ભાવ વધારો થયો છે. જેના કારણે લોકોને મોંઘવારીની માર સહન કરવાનો વારો આવ્યો છે. જોકે દિવાળીના તહેવારમાં સરકારે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી હતી. પરંતુ બીજી તરફ સીએનજીના ભાવમાં ઉ્ત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ રૂ. 8.69ના વધારા સાથે ગુજરાતમાં હાલ CNGના ભાવ રૂ.65ને પાર થયા છે. જેના કારણે રાજ્યના રીક્ષાચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેથી જ રાજ્યના 15 લાખથી પણ વધુ રીક્ષાચાલકો 36 કલાકની હડતાળ પર જઈ રહ્યા છે.

15 લાખથી પણ વધુ રીક્ષાચાલકો 36 કલાકની હડતાળ પાડશે

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોનાં વિવિધ એસોસિયેશનો-સંગઠનો દ્વારા સીએનજી ભાવવધારા વિરોધી સમિતિની રચના કરવામાં આવી હતી. જેના દ્વારા હવે CNGનો ભાવવધારો પાછો ખેંચવા માટે 36 કલાકની હડતાળનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સીએનજી ભાવવધારા વિરોધી સમિતિ દ્વારા રીક્ષાચાલકો માટે સરકાર સમક્ષ અન્ય માંગ પણ કરવામાં આવી છે. જેમાં રીક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે તેમજ રીક્ષાચાલકો પર થતા પોલીસ અત્યાચાર બંધ કરવામાં આવે. આ તમામ માંગો સાથે 15 નવેમ્બર આખો દિવસ, 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી રીક્ષાચાલકો હડતાળ પર ઉતરશે. રિક્ષાચાલક સમિતિએ દાવો કર્યો છે કે આંદોલનમાં 15 લાખ કરતાં વધારે રિક્ષાચાલકો અને 50 હજાર જેટલા ટેક્સીચાલકો જોડાશે.

બીજા રાજ્યોની જેમ કોરોના બાદ રીક્ષાચાલકોને આર્થિક સહાય આપવામાં આવે- રિક્ષાચાલક સમિતિ

આ અંગે રિક્ષાચાલક સમિતિના જણાવ્યા મુજબ તેઓની મુખ્ય માંગ છે કે CNGનો ભાવ વધારો પરત ખેંચવામાં આવે. આ સાથે ગુજરાતના રીક્ષાચાલકોને પણ અન્ય રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. મહત્વનું છે કે તહેવારો દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં વેટ ઘટાડીને ભાવ ઘટાડ્યા હતા. ત્યારે રીક્ષાચાલક સમિતિનું કહેવું છે કે જો પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડી શકાય છે તો CNGના ભાવમા કેમ નહીં. આ અંગે મીડિયા સાથે વાત કરતાં રીક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર CNGમાં પ્રતિ કિલો 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે. જેના કારણે CNGના ભાવમાં રૂ. 20થી 25 ટેક્સ વસૂલાય છે. જેથી આ વેટ ઘટાડીને સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 9 રૂ.નો ઘટાડો કરવામાં આવે એવી રીક્ષાચાલક સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ મામલે રીક્ષાચાલકના પ્રતિનિધિઓ અને ટેક્સીચાલકના પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઇ હતી. જે બાદ સીએનજીના ભાવ વધારાના વિરોધમાં 12 નવેમ્બરે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો.

અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રિક્ષાચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડાવધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. જેથી આગામી 15-16 ઓક્ટોબરની હડતાળ યથાવત્ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડાવધારા મામલે નિર્ણય લીધો છે, જે અમને માન્ય નથી.

હડતાળ મામલે રીક્ષાચાલક યુનિયનમાં મતમતાંતર

અત્રે ઉલ્લેખનીય છે કે હડતાળ મામલે રીક્ષાચાલક યુનિયનમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષાડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જોડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ યુનિયનોએ હડતાળને વખોડી કાઢી છે. અલગ-અલગ રિક્ષાચાલક સંગઠનોએ પોતાની માગ અને પ્રશ્નોને લઈને CNG ભાવ વધારા વિરોધ સમિતિ બનાવી હતી. પરંતુ ઘણી બાબતોને કારણે હવે રિક્ષાચાલકોના આંદોલનમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners