• બોલેરો પિકઅપ રિવર્સમાં કરી ATM મશીનોના કાચ તોડ્યા, UPS, બેટરી, મોડમ બહાર ફેંક્યા
  • ATM બાજુમાં રહેલી મોબાઇલની દુકાનના CCTV માં તસ્કરોની ગતિવિધિ સામે આવી
  • ભરૂચ-નર્મદા જિલ્લામાં 2 વર્ષથી હીટાચી કંપનીના 47 ATM , એક પર પણ સિક્યોરિટી ગાર્ડ નહિ
  • કાપોદ્રા ગામની સીમમાં હાઇવે તસ્કરોની 9 મિનિટ સુધી તોડફોડ અને મશીન ચોરીમાં હોટલ પર જ પ્લાન બન્યો હોવાની શક્યતા

WatchGujarat. અંકલેશ્વર NH 48 ઉપર આવેલી હોટલ નવજીવન પરિસરમાંથી માત્ર 9 મિનિટમાં પીકઅપ વાન લઈને આવેલા 5 તસ્કરો તોડ ફોડ કરી ₹1.50 લાખનું મશીન અને ATM અંદર રહેલા રોકડા ₹ 4.27 લાખની ચોરી કરી ગયા હતા. અંકલેશ્વર હાઇવે ઉપર મધરાતે આખે આખા હિટાચી ATM ચોરીની ઘટનામાં બાજુમાં આવેલી મોબાઇલની દુકાનના કેદ થયેલા CCTV ફૂટેજ બહાર આવ્યા છે.

મધરાતે 2.06 કલાકે બોલેરો પીકઅપ વાન લઈ કાપોદ્રા પાટિયા પાસેની નવજીવન હોટલ ઉપર તસ્કરો ત્રાટકયા હતા. પીકઅપ વાન ATM સેન્ટર પાસે પહેલેથી જ રિવર્સમાં લઈ જઈ મો ઉપર રૂમાલ બાંધેલા 25 થી 30 વર્ષના 4 થી 5 તસ્કરોએ તોડફોડ શરૂ કરી દિધી હતી.

આખે આખું મશીન ઉઠાવી તસ્કરો 9 મિનિટમાં જ ફરાર થઈ ગયા હતા. ભરૂચ સંતોષી વસાહતમાં રહેતા અને 4 વર્ષથી હિટાચી સર્વિસ પ્રા. લી. કંપનીમાં ચેનલ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા મોહમદ હુસેન પટેલે જણાવ્યું હતું કે, બે વર્ષથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કંપનીના 47 ATM મશીન મુકાયા છે. જોકે તમામ ATM ઉપર પ્રારંભથી જ સિક્યોરિટી ગાર્ડ મુકવામાં આવ્યો નથી.

તસ્કરો ATM માં રહેલા રોકડા 4.27 લાખ અને દોઢ લાખ મશીનની કિંમત મળી કુલ ₹ 5.77 લાખની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે નોંધવતા PI વી.કે. ભૂતિયા તપાસ ચલાવી રહ્યાં છે.

વાગરાના જોલવા ગામના મહાવીર જનરલ કરીયાણા સ્ટોર બહારથી બોલેરો પીકઅપ વાન ચોરી હતી, પરપ્રાંતીય ડ્રાઈવર ગેંગના કારસ્તાનની આશંકા. ATM મશીન આખેઆખું ઉઠાઈ જનાર તસ્કર ટોળકીએ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામથી બોલેરો પીકઅપ ચોરી હતી. 70 કિલોમીટર દૂરથી પીક અપ ચોરી ATM ની તસ્કરીમાં પરપ્રાંતીય ડ્રાઈવર ગેંગની સંડોવણી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners