• શહેરના યુવાનોએ સુરતી રોકેટ વડે દેશ અને દુનિયાના ઉપગ્રહોને અવકાશની સફર પર મોકલવાની તૈયારી કરી
  • તેમના પ્રોજેક્ટને નાસા અને ઈસરો સહિત અન્ય સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે
  • દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામના નામથી આ રોકેટને કલામ નામ આપવામાં આવ્યું
  • તે દિવસ દૂર નથી જ્યારે સુરતીઓનો હોંસલો અવકાશને પણ હચમચાવી દેશે અને પોતાનું કૌશલ્ય સાબિત કરશે

WatchGujarat. જો તમે હિંમત કેળવી શકતા હોય તો તમે આકાશને પણ આંબી શકો છો. સુરતના યુવાનો પણ કંઈક આવું જ કરવા જઈ રહ્યા છે. યુવાનોનું આ જૂથ સુરતી રોકેટ વડે દેશ અને દુનિયાના ઉપગ્રહોને અવકાશની સફર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જો તેમના પ્રયાસો સફળ થયા, તો તે દિવસ દૂર નથી જ્યારે સુરતીઓનો હોંસલો અવકાશને પણ હચમચાવી દેશે અને પોતાનું કૌશલ્ય સાબિત કરશે. તેમના પ્રોજેક્ટને નાસા અને ઈસરો સહિત અન્ય સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામના નામથી આ રોકેટને કલામ નામ આપવામાં આવ્યું છે.

ટેક્સટાઇલ અને ડાયમંડ બિઝનેસમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુરત હવે સ્પેસ એન્જિનિયરિંગમાં પણ પોતાની ઓળખ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સુરત સ્થિત એક સ્ટાર્ટઅપ કંપની સુરતી રોકેટને અવકાશમાં મોકલવા માટે કામ કરી રહી છે. આ રોકેટ એટલા માટે પણ ખાસ છે કારણ કે ઉપગ્રહને અંતરિક્ષમાં લઈ જવાની સાથે તે સેટેલાઈટને પૃથ્વી પર પાછો લાવશે. એક નાના ક્લબથી શરૂ કરાયેલા અભિયાને ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની લાંબી મજલ કાપી છે. આ અભિયાનમાં નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકનો સહયોગ મળી રહ્યો છે. આ સાથે ઈસરો તરફથી એજ્યુકેશનલ સપોર્ટ પણ મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે સનીની સાથે મયંક, રોહન, આશુતોષ, સાહિલ અને હર્ષ સહિત દેશભરના ઘણા યુવાનો ઓનલાઈન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

આ અભિયાન સાથે સંકળાયેલા સ્ટાર ગ્રુપના સની કાબરાવાલાએ જણાવ્યું કે, તેની શરૂઆત વર્ષ 2015માં એક ક્લબ તરીકે કરવામાં આવી હતી. 2018 માં, તેણે એક કંપની બનાવીને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ હાથ ધર્યો. સનીની ક્લબ અને કંપનીએ અત્યાર સુધીમાં 60થી વધુ નાના રોકેટ લોન્ચ કર્યા છે. આમાંથી સૌથી મોટા રોકેટ માત્ર એક કિલોમીટર સુધી ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે અંતરિક્ષમાં રોકેટ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. સનીના જણાવ્યા અનુસાર, આ મિશન ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થશે અને વર્ષ 2023માં રોકેટને અવકાશમાં મોકલવાનું શક્ય બનશે.

કેનેડા સાથે કરાર

રોકેટ એક સાથે 20 કિલોગ્રામ સુધીના એક અથવા અનેક ઉપગ્રહો મોકલી શકે છે. અત્યારે આ પ્રોજેક્ટ માત્ર રિસર્ચ સ્ટેજ પર છે, પરંતુ તેના સેટેલાઇટને અવકાશમાં લઈ જવા માટે કેનેડાની એક કંપની દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અત્યારે બીજી ઘણી કંપનીઓ પણ આ માટે વાતચીત કરી રહી છે.

ફેક્ટ ફાઇલ

  • લંબાઈ – 9 મીટર
  • પહોળાઈ-35 સે.મી
  • વજન – 600 કિગ્રા
  • 150 કિમી સુધી જશે. પૃથ્વીથી 100 કિમી પછી અવકાશની મર્યાદા શરૂ થાય છે.
  • ઇંધણ-નાઇટ્રસ ઓક્સાઇડ + HTPB
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud