• રાજકુમારી અંબાલિકાદેવી બૂંદેલાએ રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજા સામે વડીલોપાર્જીત મિલકતમાંથી હક્ક કઢાવી નાખ્યાનાં આરોપ સાથે સિવિલ કોર્ટમાં કેસ કર્યો છે
  • કેસ અંતર્ગત આજે માંધાતાસિંહના વકીલે જવાબ રજૂ કરવા સમય માગતા જજે 11 ઓક્ટોબરની મુદત આપી
  • સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતા માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી

WatchGujarat. રાજવી પરિવારમાં રૂપિયા 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં સમગ્ર મામલે અપીલ સહિત કેસ પણ કર્યો છે. હાલ ભાઈ બહેનની આ કાયદાકીય લડત સિવિલ કોર્ટમાં પહોંચી છે. જ્યાં આજે કોર્ટની તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલ હાજર રહ્યા હતા. અને કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરાવવાનો સમય માગ્યો હતો. જેને લઈને જજ એલ. ડી. વાઘે 11 ઓક્ટોબર સુધીની મુદત આપી છે.

સિવિલ કોર્ટમાં માંધાતાસિંહનાં બહેન રાજકુમારી અંબાલિકાદેવી બૂંદેલાએ વાંધા અરજી કરી હતી. અને રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજા સામે વડીલોપાર્જીત મિલકતમાંથી હક્ક કઢાવી નાખ્યાનાં આરોપ સાથે સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અંતર્ગત આજે માંધાતાસિંહના વકીલે જવાબ રજૂ કરવા સમય માગતા જજે 11 ઓક્ટોબરની મુદત આપી છે. જોકે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો હતો. ઠાકોર સાહેબ માંધાતાસિંહજીએ સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતા માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂ. આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ આ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે. તો રાજસ્થાનનાં પુષ્કરમાં પરણેલા રાજકુમારીનું કહેવું છે કે, પિતાનાં અવસાન બાદ પોતે સપરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ બનાવડાવી લીધું છે.

વાસ્તવમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે. જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકોર્ડમાંની એ નોંધ વિશે કલમ 135(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી હતી. આવા એક કેસમાં મામલતદારે નામ રદ કરતી નોંધ રદબાતલ ઠરાવી છે. રાજકુમારીએ દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. 31 ઓગષ્ટે તેમાં આગળની સુનાવણી થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud