• અમદાવાદ કોર્પોરેશનના સાબરમતી નદી સાફ રાખવાના દાવા પોકળ સાબિત થયા
  • અમદાવાદની શાન સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ, ગંદકીના કારણે પર્યાવરણ પર પણ માઠી અસર થઈ
  • સાબરમતી નદીમાં પાણી દેખાવાની જગ્યાએ લીલી ચાદર જોવા મળી રહી છે
  • નદીઓની સફાઈ માટે કરોડોની કિંમતે ખરીદેલા મશીનો ક્યાં છે? તેવા સવાલો ઉઠ્યા

WatchGujarat. અમદાવાદ શહેરન શાન ગણાતી સાબરમતી નદીની કેટલીક ચોંકવનારી તસ્વીરો સામે આવી છે. પહેલી નજરે એવું લાગી રહ્યું છે કે આ કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડની તસવીરો હોય. પરંતુ આ સાબરમતિ રિવર ફ્રન્ટ ની ડફનાળા તરફની વાસ્તવિક્તા છે. જ્યાં ગંદકીના કારણે પાણીની જગ્યાએ લીલી ચાદર છવાઈ ગઈ છે. આ તસવીરોથી અમદાવાદ કોર્પોરેશનના સાબરમતી નદી સાફ રાખવાના દાવા પોકળ સાબિત થયા છે. એક તરફ જ્યાં પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશની નદીઓને સાફ રાખવા અને ફરી જીવંત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીની સફાઈને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી છે.

સાબરમતીમાં ગંદકીનું સામ્રાજ્ય

સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છતાની વાતો કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાં સાફ-સફાઈ રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની શાન સમાન સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી દેખાવાની જગ્યાએ લીલી ચાદર જોવા મળી રહી છે. સાબરમતી નદીમાં ડફનાળા સર્કલથી રિવરફ્રન્ટ તરફ આવતા સાબરમતી નદીના ભાગમાં લગભગ અડધો કિલોમીટર લીલ જામી છે. નદીમાં પથરાયેલી લીલ જોતા પ્રથમ દ્રષ્ટિએ ક્રિકેટનું મેદાન, લીલુંછમ ખેતર હોવાનો આભાસ થાય છે. પરંતુ આ તંત્રની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે.

નદીમાં ગંદકીના દ્રશ્યોને કારણે સતત પર્યાવરણ પર અસર થઈ

ઉલ્લેખનીય છે કે સમયાંતરે સાફ સફાઈના અભાવે સાબરમતીની દયનિય હાલત જોવા મળી રહી છે. જેની પાછળનું કારણ સાબરમતી નદીમાં છોડવામાં આવતું ગટરનું પાણી, કેમિકલયુક્ત પ્રદુષિત પાણી અને વહેતા પાણીને બંધિયાર બનાવી દેવાની વાત હોય શકે છે. મહત્વનું છે કે સાબરમતી નદી લાંબા સમયથી ગંદકીનો ગઢ બની રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને સાફ રાખવા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કેટલા ભાગમાં કેટલું કામ થઈ રહ્યું છે એનું આ જાગતું ઉદાહરણ છે. નદીઓમાં પણ જોવા મળી રહેલા આ પ્રકારના ગંદકીના દ્રશ્યોને કારણે સતત પર્યાવરણ પર અસર થઈ રહી છે.

લોકોના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક

સાબરમતી નદીમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે આસપાસ રહેતા સ્થાનિકો અને રિવરફ્રન્ટની મુલાકાતે આવતા લોકો મચ્છર જન્ય રોગોનો ભોગ બની શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલું જ નહીં નદીમાં જામેલી લીલીના કારણે અસહ્ય ગંદકીની દુર્ગંધ આવતી હોવાથી ત્યાંથી પસાર થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ મનપાની આ પ્રકારની બેદરકારી લોકો માટે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે.

કોરોડા ખર્ચે વસાવેલા મશીનો ક્યાં છે ?

આ અગાઉ જાણવા મળ્યું હતું કે રાજ્યની સ્થાનિક પાલિકાઓ દ્વારા નદીઓની સફાઈ માટે 1.5 કરોડોના ખર્ચે મશીનો ખરીદવામાં આવ્યા છે. પરંતુ સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોતા અનેક સવાલો ઉભા થાય છે. શું આ મશીનો અમદાવાદ મનપા પાસે નથી? જો છે તો તેનો ઉપયોગ કરવામાં કેમ નથી આવતો? સાબરમતી રિવર ફ્રન્ટની ડફનાળા તરફની આ તસવીરોને જોતા લાગી રહ્યું છે કે તંત્ર દ્વારા નદીની સફાઈ અંગે ગંભીરતા દાખવવામાં આવી રહી છે. જેના કારણે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેલ સાબરમતી નદીમાં દિવસે ને દિવસે ગંદકી વધી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud