• કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો
  • હોમ કોવિડ ટેસ્ટિંગ કીટનાં વેંચાણમાં ખૂબ જ મોટો વધારો નોંધાયો
  • શહેરમાં દરરોજ આવી 2500 કરતા વધુ કીટ વેંચાઈ રહી છે
  • આ પૈકી જે કોઈના રિપોર્ટ પોઝીટીવ આવે તેની એન્ટ્રી મનપા પાસે નથી

WatchGujarat. છેલ્લા એક પખવાડિયાથી કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. જો કે તેના કરતાં પણ વધુ મોટી ચિંતાની બાબત સામે આવી છે. જેમાં હોમ કોવિડ ટેસ્ટિંગ કીટનાં વેંચાણમાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે. શહેરમાં દરરોજ આવી 2500 કરતા વધુ કીટ વેંચાઈ રહી છે. મતલબ કે આ પૈકી જે કોઈના રિપોર્ટ પોઝીટીવ આવે તેની એન્ટ્રી મનપા પાસે નથી. તેમજ સંક્રમિત હોવા છતાં આવા દર્દી ખુલ્લેઆમ ફરી અને બીજા અનેક લોકોને સંક્રમિત કરતા હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

જાણવા મળતી વિગત મુજબ, ઘરે બેઠા કોવિડ ટેસ્ટ માટે (રેપીડ ટેસ્ટ)ની ‘કોવી સેફ’ રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ બહાર પડી છે. જેમ કોર્પોરેશન દ્વારા તેના વિવિધ 30થી વધુ સેન્ટરો ઉપર કોવિડનું ઝડપી પરીક્ષણ કરી અપાય છે તેમજ આ ‘કોવી સેફ’ની કીટ્સ દ્વારા ઘરે બેઠા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરી 10 મિનીટમાં કોરોના સંક્રમણ છે કે નહીં તે જાણી શકાય છે. મનપા દ્વારા નાકમાં સળી ફેરવીને કીટમાં મૂકી મિનિટોમાં રીઝલ્ટ અપાય છે તે જ રીતે લોકો જાતે જ આ ‘માય લેબ’ કંપનીની ‘કોવીસેફ’ દ્વારા 5,-10 મિનિટમાં ઘરે બેઠા કોવિડ ટેસ્ટીંગ કરી શકે છે. આ કીટ માત્ર રૂ. 250માં લગભગ દરેક મેડીકલ સ્ટોર્સમાં સરળતાથી મળે છે.

રાજકોટના યશ મેડીકલના પિયુષભાઇએ જણાવ્યા મુજબ, તેમને ત્યાં દરરોજની 50 જેટલી કોવી સેફ કીટ્સનું વેચાણ થાય છે. હાલનાં પોઝીટીવીટી રેઈટ અનુસાર ટેસ્ટ કરાવનારા લોકો પૈકી 30% કરતા વધુ લોકો પોઝીટીવ આવી રહ્યા છે. અને સામાન્ય લક્ષણો હોવાથી ઘરે સારવાર લઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાલ 2500 કીટનું વેંચાણ ગણીએ તો દરરોજ 750 કોરોનાનાં એવા દર્દીઓ ઘરે બેઠા સારવાર લઇ રહ્યા છે, જેની મનપાનાં ચોપડે કોઈપણ એન્ટ્રી નથી. એટલે કે, આ પૈકી અમુક લોકો પણ આઇસોલેટ રહેવાને બદલે જાહેરમાં ફરે તો અનેકને સંક્રમિત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર રાજકોટ જ નહીં ગુજરાતનાં તમામ મોટા શહેરો સહિત અનેક ગામડાઓમાં પણ આ કીટ આસાનીથી ઉપલબ્ધ છે. અને રાજ્યમાં અંદાજે દરરોજ 50 હજાર કીટ વેંચાઈ રહી છે. ત્યારે રોજનાં પોઝીટીવ કેસનો સાચો આંકડો કેટલો મોટો હશે તેનો અંદાજ લગાવી શકાય છે. સત્તાવાર રીતે તો રાજ્યમાં રોજ 20 હજાર આસપાસ કેસો આવી રહ્યા છે. પણ જો આ કીટ પૈકીનાં પોઝીટીવ આવતા દર્દીઓ ગણીએ તો દરરોજનાં કેસો 40 હજારથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે હવે આ કીટ માટે આધાર કાર્ડ ફરજીયાત કરાયું છે, પણ તંત્ર હાલ જે સ્થિતિમાં કામ કરી રહ્યું છે તેમાં કીટ ખરીદનારા પૈકી કોણ-કોણ પોઝીટીવ આવ્યું તેની તપાસ કરવી લગભગ અશક્ય છે. ત્યારે આ હોમ ટેસ્ટિંગ કીટ સરકાર તેમજ સ્વસ્થ લોકો માટે પણ ચિંતાનો વિષય બની છે. ત્યારે હવે તંત્ર દ્વારા આ અંગે ક્યારે અને શું રસ્તો કરવામાં આવશે તે જોવું જ રહ્યું.

Facebook Comments Box

Videos

Our Partners