• સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી
  • વિવિધ 35 કોર્ષની પરીક્ષાઓ ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન આજે એક દિવસમાં બે પેપરમાં ભૂલ હોવાનું સામે આવ્યું
  • LLBમાં અન્ય વિષયનું પેપર નિકળતા અંતે 25 મિનિટ બાદ હાથે લખેલું પેપર અપાયું
  • અન્ય BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું પુછવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ લગાવ્યો

WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં વિવિધ 35 કોર્ષની પરીક્ષાઓ ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન આજે એક દિવસમાં બે પેપરમાં ભૂલ હોવાનું સામે આવ્યું છે. જેમાં LLBમાં અન્ય વિષયનું પેપર નિકળતા અંતે 25 મિનિટ બાદ હાથે લખેલું પેપર અપાયું હતું. જ્યારે અન્ય BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું પુછવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ લગાવ્યો હતો. જેને લઈને યુનિ. ની કામગીરી સામે ફરી એકવાર વિવિધ સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, LLB સેમેસ્ટર-5ની પરીક્ષામા CPCનું પેપર હતું. જોકે સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે CPCની જગ્યાએ બે દિવસ બાદ જે પેપર લેવાનું હતું તે પેપર કવરમાંથી નિકળતાં વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. જેને લઈને દોડધામ મચી જતા 10:30નું પેપર છેક 10:55 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. આ પેપર હાથે લખેલું હોવાનું જોવા મળતા વિદ્યાર્થીઓમાં અનેક સવાલો ઉઠયા હતા. જો કે બાદમાં આ પેપરમાં વિદ્યાર્થીઓને 30 મિનિટ જેટલો વધુ સમય ફાળવવામાં આવ્યો હતો.

આ અંગે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.માં અવારનવાર આ પ્રકારના છબરડાઓ કરવામાં આવે છે. જેની સામે આજદીન સુધી ક્યારેય કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. અને અવારનવાર થતાં છબરડાઓ અમારે સહન કરવા પડે છે. આવા કારણે વિદ્યાર્થીઓને માનસિક રીતે યાતના ભોગવવી પડે છે અને તેની અસર પરિક્ષાના પરિણામ ઉપર પડતા ઘણી વખત છાત્રોને નાપાસ થવું પડે છે. બીજીતરફ આજે BSCસેમ-5ની પરીક્ષામાં કેમેસ્ટ્રીના પેપરમાં પણ ભૂલ હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે. જેમાં BSCના સેમેસ્ટર 5ના કેમેસ્ટ્રીનાં પેપરમાં સિલેબસ બહારનું પૂછાયુ હોવાનું વિદ્યાર્થીઓએ કહ્યું હતું.

આ અંગે પરિક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, LLBની પરિક્ષામાં થયેલી ગંભીર બેદરકારી બદલ પેપર સેટ કરનાર અધ્યાપક સામે આકરા પગલા ભરવામાં આવશે. આ સાથે જ તેમના ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી સમયમાં યોજાનારી પરિક્ષાની કામગીરીમાંથી હાંકી કાઢવામાં આવશે. અને હવે પછી એકપણ પરિક્ષામાં તેમને હવે જવાબદારી સોંપવામાં આવશે નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud