• રાજકોટ અને વડોદરામાં જાહેર રસ્તા પર લાગતી નોનવેજ અને આમલેટની લારી ખસેડવાનો નિર્ણય લેવાયો છે
  • માત્ર 10 દિવસમાં શહેરના રોડ રસ્તા પર લાગતી મટન, મચ્છી અને આમલેટની લારીઓ હટાવાશે
  • સુરતમાં પણ તેને હટાવવાનો નિર્ણય લેવાશે કે કેમ તે અંગે અસમંજસ દેખાઈ રહી હતી
  • આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું

WatchGujarat.રાજકોટ બાદ વડોદરા શહેરમાં પણ ઇંડા કે નોનવેજની લારી હવે જાહેરમાં લગાવી શકાશે નહી. આ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. સુરત શહેર પણ ખાણીપીણી માટે જાણીતું છે. અને અહીં પણ ઘણી જગ્યાએ જાહેર માર્ગો પર નોનવેજ અને ઈંડાની લારીઓ ધમધમે છે. ત્યારે સુરતમાં પણ તેને હટાવવાનો નિર્ણય લેવાશે કે કેમ તે અંગે અસમંજસ દેખાઈ રહી હતી. જોકે તેના પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું છે. સુરતમાં આ અંગે હાલ કોઈ વિચારણા નહિ હોવાનું સી.આર.પાટીલે જણાવ્યું છે.

ચીખલી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતા સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ સુરતમાં આ અંગે હાલ કોઈ વિચારણા કરવામાં આવી નથી. જરૂરી નથી કે આ નિર્ણય બધે જ લાગુ પાડવામાં આવે. બીજે જો આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હોય તો તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે રાજકોટ અને વડોદરામાં જાહેર રસ્તા પર લાગતી નોનવેજ અને આમલેટની લારી ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે માત્ર 10 દિવસમાં શહેરના રોડ રસ્તા પર લાગતી મટન, મચ્છી અને આમલેટની લારીઓ હટાવાશે.

આ ઉપરાંત ડ્રગ્સ બાબતે તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યના યુવાધનને નશાની ચુંગાલમાંથી છોડાવવા માટે સરકાર અને પોલીસ બંને પ્રયત્નશીલ છે. ઉપરાંત સુરતની પોસ્કો કોર્ટ દ્વારા બાળકીના બળાત્કાર કેસમાં અપાયેલા ઐતિહાસિક ચુકાદાને તેઓએ આવકાર્યો હતો. અને પોલીસ તેમજ ન્યાયતંત્રને અભિનંદન આપ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud