• નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્ત્રોતોના મંત્રોચ્ચાર વચ્ચે સાત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિથી આરતી કરવામાં આવશે
  • પ્રોજેક્શન મેપિંગ શો (લેઝર શો) અને માં નર્મદાજીની આરતીના સમયમાં ફેરફાર કરાતા પ્રવાસીઓ એક જ દિવસે બે આકર્ષણમાં ભાગ લઇ શકશે
  • લેસર શો પુર્ણ થતા બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં – 5 અને 6 થી તેમજ હેલિપેડ ગ્રાઉન્ડ( જંગલ સફારીની સામે ) નર્મદા ઘાટ સુધી જવા બસ સેવા ઉપલબ્ધ થશે

WatchGujarat. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને તેઓના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતેની ગંગા આરતીની માફક ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આરતી અને લેઝર શોના સમયગાળાને કારણે અત્યાર સુધી અહિં આવતા લોકો એક જ જગ્યાએ ભાગ લઇ શકતા હતા. પરંતું હવે સમયમાં ફેરફાર કરવાને કારણે એક જ દિવસે બે આકર્ષણમાં ભાગ લઇ શકાશે.

નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્ત્રોતોના મંત્રોચ્ચાર વચ્ચે સાત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિથી આરતી કરવામાં આવશે. જેમાં મહા આરતી, નાગ આરતી અને કપૂર આરતીની સમાવેશ થાય છે. મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાશે. ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઈટિંગ પણ કરવામાં આવેલું છે. હાલ બંને આકર્ષણોનો સમય એક હોવાથી પ્રવાસીઓને લાભ મળે તે હેતુસર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા સમય મુજબ જેક્શન મેપિંગ શો હાલમાં સાંજે 7.00 કલાકે યોજાય છે. તેના બદલે સાંજે 6.45 કલાકે યોજવામાં આવશે.  અને નર્મદા મહાઆરતી જેનો હાલનો સાંજે 7.00 કલાકે રાખવામાં આવેલ છે. તેના બદલે સાંજે 7.30 કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેથી લેસર શૉ જોયા પછી પ્રવાસીઓ મહા આરતીમાં પણ ભાગ લઈ શકશે.

લેસર શો સાંજે 7.15 કલાકે પૂર્ણ થશે અને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલા બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં – 5 અને 6 થી તેમજ હેલિપેડ ગ્રાઉન્ડ( જંગલ સફારીની સામે )  નર્મદા ઘાટ સુધી જવા બસ સેવા ઉપલબ્ધ થશે. તેમજ મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud