• રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આપી માહિતી
  • શાળાએ ન જતાં 15થી 18 વર્ષનાં બાળકોને ઘરે જઈ વેક્સિન અપાશે
  • 39 અઠવાડિયાંનો સમય થયો હશે તેવા સિનિયર સિટિઝનોને પ્રોત્સાહક ડોઝ
  • હેલ્થ, ફ્રન્ટલાઇનવર્કર્સ અને સિનિયર સિટિઝનોને પ્રોત્સાહક ડોઝ
  • 9.43 લાખ હેલ્થ અને ફ્રન્ટલાઇનવર્કર્સને ડોઝ અપાશે

WatchGujarat.દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનો વિષય બન્યો છે. કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં 15થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન કરવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.આગામી ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ થશે.રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ માહિતી આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવની વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જેમાં કોરોના અને ઓમિક્રોન વાયરસને લઈને સમીક્ષા પણ કરવામાં આવી હતી.

મનોજ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં આગામી તા. ત્રીજી જાન્યુઆરી-2022થી 15થી 18 વર્ષનાં બાળકો-વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષિત કરવા વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે. એમાં જિલ્લાકક્ષાએ આરોગ્ય અધિકારીઓને આયોજન કરવા સૂચના આપી દેવાઇ છે. આ માટે રાજ્યભરની શાળાઓમાં રૂટિનમાં જે વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે એની સાથે સાથે આ વેક્સિનેશન અભિયાન હાથ ધરાશે. તેમજ હર ઘર દસ્તક અભિયાન ચાલે છે, એમાં પણ શાળાએ ન જતાં 15થી 18 વર્ષનાં બાળકોને વેક્સિન અપાશે. આ માટે રાજ્યભરમાં 30 લાખથી વધુ બાળકોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ છે, એ તમામને આવરી લેવાશે. હાલ બાળકોને કોવેક્સિન આપવામાં આવશે. આ માટે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે.

વધુમાં મનોજ અગ્રાવાલે જણાવ્યુ હતુ કે જે લોકોએ બંને ડોઝ લીધા હોય અને 39 અઠવાડિયાંનો સમય થયો હશે એવા નાગરિકોને પ્રોત્સાહક ડોઝ આપવામાં આવશે. હાલ રાજ્યમાં 6.24 લાખ હેલ્થકેરવર્કર્સ અને 3.19 લાખ ફ્રન્ટલાઇનવર્કર્સ મળી કુલ 9.43 લાખ લોકો રસી માટે પાત્ર છે. આ તમામને તા. 10મી જાન્યુઆરીથી આ ડોઝ આપવાની કામગીરી હાથ ધરાશે અને જેમ જેમ લોકો પાત્ર થતા જશે તેમ તેમ તે તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવાની કામગીરી હાથ ધરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઇ છે.60 વર્ષથી ઉપરના વયસ્ક-સિનિયર સિટિઝનને પણ પ્રોત્સાહક ડોઝ આપવાનું નક્કી કરાયું છે. એ સંદર્ભે રાજ્યમાં 37 હજાર લોકો પાત્રતા ધરાવે છે. તે તમામને પ્રોત્સાહક ડોઝ તા.10મીથી અપાશે. જેમ જેમ વયસ્કો પાત્રતા ધરાવતા થશે તેમ તેમ તમામને આ પ્રોત્સાહક ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં આજની તારીખે 45 લાખ જેટલા વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. એટલે રસીનો જથ્થો પર્યાપ્ત છે અને જેમ જેમ જરૂરિયાત થશે તેમ તેમ કેન્દ્ર સરકાર દ્વારા જથ્થો ઉપલબ્ધ કરાવાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud