• ઉનાળાના શરૂઆતમાં જ ડેમોનાં તળિયાં દેખાયા
  • ઉનાળામાં જળસંકટનાં એંધાણ 80 ડેમોમાં 30 ટકાથી ઓછું પાણી
  • રાજ્યમાં માત્ર 53 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

WatchGujarat. ઉનાળાનો હજુ તો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતમાં જળસંકટનાં એંધાણ વર્તાઇ રહ્યા છે તેનું કારણ એ છે કે 80 ડેમોમાં હવે 30 ટકા જ પાણી રહ્યુ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ડેમો ખાલીખમ થયા છે. આ પરિસ્થિતિને જોતા આગામી દિવસોમાં રાજ્યમાં પાણીના પોકારો ઉઠે તેમ છે. રાજ્યના જળાશયોની વાત કરીએ તો ,માત્ર 53 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

મિડીયા રિપોર્ટ મુજબ રાજ્યમાં જળસંકટ સર્જાય તે દિવસો દૂર નથી કેમ કે ઉત્તર ગુજરાતના ડેમોમાં માત્ર 16 ટકા પાણી બચ્યુ છે જ્યારે કચ્છમાં 23 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પરિસ્થિતિ સારી છે કેમ કે આ વિસ્તારમાં ડેમોમાં 68 ટકા પાણીનો સંગ્રહ છે. મધ્ય ગુજરાતના ડેમોમાં ય 50 ટકા પાણી છે જેથી પીવા અને ખેતી માટે પાણીની જરૂરિયાત પૂર્ણ થઇ શકે તેમ છે. સૌરાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે. આ વિસ્તારમાં 47.79 ટકા ડેમોમાં પાણી ઉપલબ્ધ છે. હજુ તો આખોય ઉનાળો બાકી છે ત્યારે આટલુ પાણી પુરતુ થશે કે કેમ તે સવાલ છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, મહેસાણા જિલ્લાના ડેમોમાં 21,86 ટકા પાણી છે પણ અરવલ્લી અને સાબરાકાંઠામાં પાણીની સમસ્યા ફેણ માંડી શકે છે. અરવલ્લીમાં 19.32 ટકા અને સાબરકાંઠામાં 15.44 ટકા પાણી રહ્યુ છે. ચિંતા ઉપજાવે તેવી વાત તો એ છે કે બનાસકાંઠામાં તો માત્ર 7.21 ટકા પાણી જ ડેમો રહ્યુ છે. છેવાડાના સરહદી વિસ્તારમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ છે. ત્યારે ડેમોમાં તળિયા ઝાટક થયા છે. આ જોતા જળસંકટ વધુ ઘેરુ બને તેવા એંધાણ છે. ગુજરાતની જીવાદોરી કહી શકાય તેવા નર્મદા ડેમમાં ય 49 ટકા જ પાણી રહ્યુ છે.

ગુજરાતમાં કેટલુ પાણી ઉપલબ્ધ છે
ઉત્તર ગુજરાત               16.48 ટકા
મધ્ય ગુજરાત               50.69 ટકા
દક્ષિણ ગુજરાત            68.89ટકા
કચ્છ                           23.65 ટકા
સૌરાષ્ટ્ર                       47.79ટકા
નર્મદા ડેમ                  49.18 ટકા
કુલ                            53.42 ટકા

રાજ્યના ડેમોમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ તો, 80 ડેમો એવા છે જેમાં 30 ટકાથી ય ઓછુ પાણી ઉપલબ્ધ છે.31 ડેમોમાં તો 10 ટકા ય પાણી રહ્યુ નથી. 7 ડેમો તો જાણે ક્રિકેટ સ્ટેડિયમ જેવા દેખાવવા માંડ્યા છે. એક ટીપુય પાણી નથી. આખાય રાજ્યમાં માત્ર બે ડેમો જ એવા છે જેમાં 90 ટકા પાણી છે. ત્રણ ડેમોમાં 80 ટકા પાણીનો સંગ્રહ કરાયેલો છે. 12 ડેમોમાં 70 ટકા પાણી છે. આમ ચોમાસુ આવતા પહેલા પાણીના પોકારો ઉઠે તેવા એંધાણ છે.

Facebook Comments Box

Videos

Our Partners