- જહાંગીરપુરા ખાતે રહેતા ગમનભાઈ મોહનભાઈ પટેલ અગાઉ મનપામાં બેલદાર તરીકે કામ કરતા હતા
- અડાજણ ખાતે આવેલી તેઓની બેંક ખાતામાંથી અજાણ્યા ઇસમેં બે વર્ષ દરમ્યાન ટુકડે ટુકડે 6.46 લાખ રૂપિયા ઉપાડી લીધા
- ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે વાસદા ખાતે રહેતા શૈલેશભાઈ ધીરુભાઈ ડાહ્યાભાઈ પટેલ તેમજ કેયુર નટુભાઈ છાયલાભાઈ પટેલની ધરપકડ કરી
WatchGujarat. સુરતમાં ખેતીકામ સાથે સંકળાયેલા અને હાલમાં નિવૃત જીવન ગળતા આધેડના બેંકખાતામાંથી છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન ટુકડે ટુકડે મળી રૂ. 6.46 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ બનાવ અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી અન્ય કોઈ નહી પરંતુ તેઓનો ભત્રીજો જ નીકળ્યો હતો. પોલીસે ભત્રીજા અને તેના મિત્રની ધરપકડ કરી છે.
સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા ગમનભાઈ મોહનભાઈ પટેલ અગાઉ મનપામાં બેલદાર તરીકે કામ કરતા હતા. અને હાલ તેઓ નિવૃત જીવન ગાળી રહ્યા છે. તેઓએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અડાજણ ખાતે આવેલી તેઓની બેંક ખાતામાંથી અજાણ્યા ઇસમેં બે વર્ષ દરમ્યાન ટુકડે ટુકડે 6.46 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. તેઓ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. ત્યારે તેઓને આ જાણ થઇ હતી. જેથી તેઓએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે વાસદા ખાતે રહેતા શૈલેશભાઈ ધીરુભાઈ ડાહ્યાભાઈ પટેલ તેમજ કેયુર નટુભાઈ છાયલાભાઈ પટેલની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલા બે આરોપી એક આરોપી ફરિયાદીના ભત્રીજા છે અને બીજો તેનો મિત્ર છે. આધેડ જયારે રૂપિયા ઉપાડવા જતા હતા. ત્યારે તેના ભત્રીજા અથવા તેના મિત્રને સાથે લઇ જતા હતા. ભત્રીજો રૂપિયા ઉપાડવામાં મદદ કરતો હતો. જેથી ભત્રીજાએ તેના મોબાઈલ થકી ઓટીપી મેળવી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીએ ફોન પેમાં પૈસા ટ્રાન્સફર કરી લીધા હતા. આ બનાવને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ પણ શરુ કરી છે તેમજ આ ગુનામાં અન્ય કોઈ ઇસમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.