• અશાંતધારો આવકાર્ય છે, પણ એક મહિનાથી નિયમ બદલાતાં વેપારીઓને નડતી મુશ્કેલીઓ દૂર કરવી પણ જરૂરી: ફોસ્ટા
  • હવે ભાડાકરાર માટે પણ કલેક્ટરની મંજૂરી સહિતના નિયમો લાગુ કરાતાં વેપારીઓમાં નારાજગી, કલેક્ટરને રજૂઆત કરાઈ
  • પહેલા અશાંતધારા વિસ્તારમાં આવેલી મિલકતના માત્ર ખરીદી અને વેચાણ પર જ નિયમોનો અમલ થતો હતો

WatchGujarat. પહેલા અશાંતધારા વિસ્તારમાં માત્ર મિલકતના ખરીદી વેચાણ પર જ નિયમોનો અમલ થતો હતો પરંતુ હવે મિલકત ભાડે આપ-લેમાં પણ નિમય લાગુ થઈ રહ્યો છે. જેથી ટેક્સટાઈલ વેપારીઓની મુશ્કેલી વધી છે. જેમાં માત્ર 300 રૂપિયામાં થતો ભાડા કરાર હવે 8 હજાર રૂપિયામાં થઈ રહ્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, સુરત શહેરમાં સલાબતપુરા, મહિધરપુરા, લિંબાયતની 140 માર્કેટની 40 હજારથી વધુ દુકાનો અશાંતધારા વિસ્તારમાં ગણાય છે. જેમાંથી ફોસ્ટાના દાવા પ્રમાણે 70 ટકા દુકાનો ભાડા પર જ હોય છે. બીજી તરફ ભાડાકરાર 11 મહિને રિન્યુ કરવો પડતો હોવાથી વેપારીઓને સમય અને નાણાં બનેનો વ્યય થઈ રહ્યો છે. આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે વેપારીઓની સંસ્થા ફોસ્ટા (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.

આ રીતે 300નો ભાડા કરાર 8 હજાર રૂપિયાનો થઈ ગયો

અત્યાર સુધી દુકાન ખરીદી વેચાણ, રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ખરીદ વેચાણ પર અશાંતધારાનો અમલ થતો હતો. પરંતુ હવે ભાડે આપવામાં આવતી પ્રોપર્ટી પર અશાંતધારાનો અમલ થઈ રહ્યો છે. અશાંતધારા વિસ્તારની પ્રોપર્ટી પર ભાડા કરાર કરવા માટે નોટરી, કલેક્ટરની પરમિશન સહિતની પ્રક્રિયા કરવાની હોય છે. જેના કારણે ભાડા કરાર કરી આપતા વકિલો, બ્રોકરો દ્વારા પણ તેની ફિમાં વધારો કરવામાં આવ્યો છે. અશાંતધારા વિસ્તારની પ્રોપર્ટી પર ભાડા કરાર તૈયાર કરવામાં 6થી 8 હજાર રૂપિયા ફી લેવામાં આવે છે.’

ભાડા કરાર માટે હવે એક મહિનો લાગે છે

અત્યાર સુધી વેપારીઓ દુકાનોનો ભાડા કરાર, લિવ એન્ડ લાઈસન્સ બનાવવા માત્ર 300 રૂપિયાનો ખર્ચ કરીને અડધા કલાકમાં નોટરી સહિત કામ કરાવી દેતા હતાં. પરંતુ હવે આ જ કામ કરવા માટે 6થી 8 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે તથા કામ પૂરું થતાં મહિનો લાગી રહ્યો છે.

ભાડા કરાર રિન્યૂ કરવો પડતો હોવાથી તકલીફ વધુ

સુરત શહેરની તમામ માર્કેટોમાંથી 70 ટકા દુકાનો ભાડા પર હોય છે. પરંતુ ભાડા કરાર દર 11 મહિને રિન્યુ કરાવવો પડતો હોય છે. ભાડા કરાર કરવા કરતાં પણ વેપારીઓને દર 11 મહિને રિન્યુ કરવો પડતો હોવાથી મુશ્કેલી વધવાની શક્યતા છે.

કુલ 140 કાપડ માર્કેટમાં 70 હજારથી વધુ દુકાનો

ફોસ્ટાના જણાવ્યા પ્રમાણે, સલાબતપુરા, લિંબાયત, મહિધરપુરા, પુણા, સારોલી વિસ્તારોમાં 180 ટેક્સટાઈલ માર્કેટ છે. જેમાં 70 હજાર દુકાનો છે. જેમાંથી 70 ટકા દુકાનો ભાડે છે. ભાડા પર વધારે દુકાનો હોવાથી વેપારીઓને નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોટાભાગના વેપારી મુશ્કેલીમાં

​​​​​​​ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અશાંતધારો આવકાર્ય છે પણ એક મહિનાથી નવો નિયમ અમલમાં આવ્યો છે. માર્કેટ વિસ્તારમાં મોટા ભાગના વેપારીઓ દુકાન ભાડે લઈને વેપાર કરતા હોય છે, જેમની મુશ્કેલીઓ વધી રહી છે. વેપારીઓની અગવડતાનો યોગ્ય ઉકેલ લાવવા માટે ફોસ્ટાએ કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી છે.

ગૃહમંત્રી સુધી રજૂઆતની તૈયારી

ફોસ્ટા ડિરેક્ટર રંગનાથ શારડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ‘વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તો અમે કલેક્ટરને રજૂઆત કરી છે. પરંતુ હવે આગામી દિવસોમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે.’

Facebook Comments Box

Videos

Our Partners