• સુરત ના ઉમરા વેલંજા વિસ્તારમાં આજે સવારે લોકોએ મોબાઇલ ચોરતી ટોળકી પૈકી એક મહિલા મોબાઈલ ચોર ને પકડી પાડી
  • લોકોએ મહિલાને પોલીસના હવાલે કરતાં પહેલાં સ્વચ્છતા નો પાઠ ભણાવ્યો
  • જોવાનું રહેશે કે આ કેસમાં પોલીસ આ ટોળકીના બાકીના સભ્યો સુધી કેવી રીતે પહોંચે છે

WatchGujarat. શહેરમાં મોબાઈલ ચોરો આતંક દિનપ્રતિદિન વધી રહ્યું છે. તેવામાં કેટલાક કિસ્સામાં લોકો જાતે જ આ મોબાઈલ ચોરો કે ચેઇન સ્નેચરોને ઝડપીને પોલીસને હવાલે કરતા હોય છે. કેટલીક વાર તો લોકો કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આ મોબાઇલ ચોરોને બરાબરનો મેથીપાક આપીને તેઓ બીજીવાર આવી ભૂલ ન કરે તે માટે સબક પણ આપતા હોય છે. પરંતુ સુરતમાં આજે મહિલા મોબાઈલ ચોર ને લોકો દ્વારા જે પાઠ શીખવવામાં આવ્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો.

સુરત ના ઉમરા વેલંજા વિસ્તારમાં આજે સવારે લોકોએ મોબાઇલ ચોરતી ટોળકી પૈકી એક મહિલા મોબાઈલ ચોર ને પકડી પાડી હતી. આ મહિલાએ પોતાનું નામ શબાના હોવાનું જણાવ્યું હતું. હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

વેલંજા વિસ્તારમાં મોબાઈલ ચોર ટોળકી જે રિક્ષામાં બેસેલા મુસાફરોની નજર ચૂકવીને મોબાઈલ ચોરતી હતી. તેને લોકોએ પકડી પાડી હતી. જોકે તેમાંથી ત્રણ શખ્સો ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક મહિલા મોબાઈલ ચોર લોકોના હાથે ઝડપાઇ ગઇ હતી. આ મહિલા ચોરને પકડી ને લોકોએ જે પાઠ ભણાવ્યો તે પણ સાંભળવા જેવું છે.

મહિલા મોબાઈલ ચોર કે જે પોતે લિંબાયત વિસ્તારની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેને લોકોએ પોલીસને હવાલે કરતાં પહેલાં સ્વચ્છતા નો પાઠ ભણાવ્યો હતો. લોકોએ આ મહિલાને હાથમાં ઝાડુ પકડાવીને બિલ્ડિંગમાં સાફ સફાઈ કરાવી હતી. વીડિયોમાં મોબાઈલ ચોરનાર મહિલા રડતી દેખાય રહી છે એટલું જ નહીં, વીડિયોમાં લોકો એવું બોલતા પણ સાંભળી શકાય છે કે મહેનત ના રોટલા કમાવીને ખાવા જોઈએ.

મહિલાના જણાવ્યાં પ્રમાણે મોબાઈલ ચોરવા માટે સાથે બીજા ત્રણ શખ્સો પણ હતા. જે ભાગી ગયા હતા. જોકે લોકોએ તેને પકડીને મેથીપાક આપવાને બદલે ગાંધીગીરી કરીને સ્વચ્છતા નો પાઠ ભણાવ્યો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કરી હતી. મોબાઈલ અને ચેઈન સ્નેચરોને એક બાજુ પોલીસના માથાનો દુખાવો બની રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં પોલીસ આ ટોળકીના બાકીના સભ્યો સુધી કેવી રીતે પહોંચે છે.

Facebook Comments Box

Videos

Our Partners