• કાશ્મીર ફાઇલ્સ જોવાનુ આપના કોર્પોરેટરોનું કલેજું નથી
  • ભાજપના આક્ષેપથી સામાન્ય સભામાં હોબાળો
  • પાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને આપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો

WatchGujarat.સુરત પાલિકાની સામાન્ય સભામાં કાશ્મીર ફાઇલ્સના મુદ્દે આપ અને ભાજપનાં કોર્પોરેટરોએ સામ-સામે આક્ષેપો કર્યા હતા. કાશ્મીર ફાઇલ્સ જોવાનું આપના કોર્પોરેટરોનું કલેજુ નથી એવું ભાજપના કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં આપે પાટીદાર પાવર ફિલ્મ રિલીઝ કરવા ભાજપને પડકાર ફેંક્યો હતો.

મિડીયા રિપોર્ટ મુજબ પાલિકાની સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી હતી કે દિલ્હી મોડલની વાતો થાય છે. પરંતુ કામગીરીના નામે મીંડુ છે. દિલ્હીમાં 500 શાળા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ દારૂની 500 દુકાનો શરૂ થઇ ગઇ . વિશ્વના ચૌથા ક્રમના સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હીનો સમાવેશ થયો છે. કાશ્મીર ફાઇલ્સને દેશભરમાં ટેક્સ ફ્રી કરવામાં આવી, પરંતુ દિલ્હીમાં સાંઢ કી આંખ જેવી ફિલ્મ ટેક્સ ફ્રી થઇ છે. કાશ્મીર ફાઇલ્સ નહીં. કાશ્મીરી પંડિતો વિશે આપના નેતાઓ એક નિવેદન સુદ્ધાં આપવા રાજી નથી. કાશ્મીર ફાઇલ્સ જોવુ આપના કોર્પોરેટરોનું કલેજું નથી. ભાજપના કોર્પોરેટરના આક્ષેપથી સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો. આપના કોર્પોરેટરોએ વળતો જવાબ આપ્યો હતો કે કાશ્મીર ફાઇલ્સને યુ ટ્યુબ પર મૂકી દો. ગોધરા ફાઇલ્સ પિક્ચર બનાવો અને પાટીદાર પાવર ફિલ્મને રિલીઝ થવા દો. આ મુદ્દે બંને પક્ષના કોર્પોરટરો વચ્ચે આક્ષેપ- પ્રતિઆક્ષેપનો મારો ચાલ્યો હતો.

ભાજપની મહિલા કોર્પોરેટરો એકસરખી સાડીના ડ્રેસ કોડમાં આવી

બે દિવસ બાદ ચૈત્ર નવરાત્રી શરૂ થઇ રહી છે. જેને પગલે ભાજપની મહિલા કોર્પોરેટરોએ એકસંપ થઇ નારીશક્તિની ઓળખ સમાન પરંપરાગત સાડી પહેરી સામાન્ય સભામાં હાજરી આપવા વિશેષ ડ્રેસકોડ નક્કી કર્યો હતો. અગાઉથી નક્કી થયા મુજબ મોટાભાગની મહિલા નગરસેવિકાઓએ બુધવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં સાડી પહેરી હાજરી આપી હતી. ભાજપની મહિલા કોર્પોરેટરોએ આ પ્રકારે સૌ પ્રથમવાર ડ્રેસકોડ નક્કી કર્યો હોવાની ચર્ચા પાલિકામાં થઇ હતી.

જમરૂખગલીનું નામ સુરતમાં નહીં ગુજરાતમાં ગાજી રહ્યું છે !

કુખ્યાત સજ્જુ કોઠારીને શહેર પોલીસે ઘરની બખોલમાંથી ખેંચીને બહાર કાઢી ધરપકડ કરી છે. જેને પગલે નાનપુરા જમરૂખગલીનું નામ માત્ર સુરતમાં નહીં આખા ગુજરાતમાં ગુંજી રહ્યુ છે. તેવુ જણાવી પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે પાલિકા અને પોલીસની કામગીરી બિરદાવી હતી. તેમણે કહ્યુ કે માથા ભારે સજ્જુ બે વખત તડીપાર અને 9 વખત પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે. વ્યાજકવાદી સજ્જુએ અનેક જમીનો પચાવી પાડી છે. આમ છતાં સજ્જુએ તેના ઘરની આસપાસ સરકારી જમીન ઉપર ગેરકાયદે કરેલો કબજો પોલીસની મદદથી પાલિકાએ દૂર કર્યો છે. ડિમોલિશન હાથ ધર્યુ છે. સજ્જુના ઘરની પાછળ સરકારી જમીન ઉપર અનેક ગેરકાયદે બાંધકામ થઇ ચૂક્યા છે.તેને પણ ભોંયભેગા કરી ખુલ્લી થનારી જમીન ઉપર નાનપુરા પોલીસ ચોકી અને પાલિકાની વોર્ડ ઓફિસ બનાવવા સૂચન કર્યુ હતુ.

જકાતની ગ્રાન્ટમાં દસ ટકાનો વધારો

પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર કેયૂર ચપટવાલાએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકે મંજૂર કરેલા બજેટમાં સુરતમાં વિકાસકામો માટે તોતિંગ ફાળવણી કરવામાં આવી છે. સ્વર્ણિમ ગુજરાત, સ્માર્ટી સિટી મિશન, પંદરમાં નાણાપંચ સહિતની યોજના માટે ગ્રાન્ટની ફાળવણી થઇ છે. જકાતની ગ્રાન્ટ દસ ટકા વધારા સાથે મંજૂર કરવામાં આવતા પાલિકાને મોટી રાહત થઇ છે. આ ઉપરાંત તાપી રિવર ફ્રન્ટ યોજનાને બજેટમાં મંજૂરી આપવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners