• સુરતમાં અકસ્માતની આ ઘટનામાં 35 વર્ષીય યુવાનને પોલીસની પીસીઆર વાન દ્વારા અડફેટમાં લેવામાં આવ્યો
  • નિલેશભાઈ રાત્રે ઘરે પરત ફરતી રહ્યા હતા તે સમય દરમ્યાન અડાજણ ગેલેક્સી સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો
  • અકસ્માત બાદ 108 દ્વારા યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
  • નવાઈની વાત તો એ છે કે ઘટનાને 12 કલાક વીતવા આવ્યા છે છતાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી

WatchGujarat. હિટ એન્ડ રનની ઘટનામાં જો અકસ્માત કરનાર વાહનચાલક સામે ગુનો દાખલ ન થાય તો પોલીસનો સંપર્ક કરવામાં આવે છે. પરંતુ જો પોલીસ દ્વારા જ અકસ્માત કરવામાં આવે તો ફરિયાદ કરવા કોને જવી ? આ સવાલ એટલા માટે ઉભો થયો છે કારણ કે સુરતમાં પોલીસની પીસીઆર વાન દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

સુરતમાં અકસ્માતની આ ઘટનામાં 35 વર્ષીય યુવાનને પોલીસની પીસીઆર વાન દ્વારા અડફેટમાં લેવામાં આવ્યો હતો. પુરપાટ ઝડપે દોડતી આવેલી પીસીઆર વાને બાઈકસવાર નિલેશ ખતરી નામના યુવકને અડફેટમાં લીધો હતો. જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. નિલેશભાઈ રાત્રે ઘરે પરત ફરતી રહ્યા હતા તે સમય દરમ્યાન અડાજણ ગેલેક્સી સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ 108 દ્વારા યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત નોતરીને પોલીસ જવાન ફરાર થઇ ગયો હતો અને નવાઈની વાત તો એ છે કે ઘટનાને 12 કલાક વીતવા આવ્યા છે છતાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પીસીઆર વાનનો ચાલક કોઈ પોલીસ જવાન નહિ પણ કોન્ટ્રાકટ પર કામ કરનાર વ્યક્તિ હતો. નોંધનીય છે કે પોલીસ દ્વારા અકસ્માતની આ બીજી ઘટના છે. આ પહેલા પણ સુરતના ઉમરા પોલીસની પીસીઆર વાને પણ આ પ્રકારે અકસ્માત સર્જ્યો હતો જેમાં યુવકનું મોત થયું હતું. પણ આ કેસમાં પોલીસે મરનાર યુવક સામે રોંગ સાઈડ પર આવવાનો ગુનો દાખલ કર્યો હતો.

હવે જોવાનું એ રહે છે કે અકસ્માતના આ કિસ્સામાં પોલીસ અકસ્માત કરનાર પીસીઆર વાનના ચાલક સામે ગુનો નોંધે છે કે હોસ્પિટલના બિછાને રહેલા વાહનચાલકને અકસ્માત માટે જવાબદાર ઠેરવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud