• ગામડાંઓની સમસ્યા અને સુખાકારી માટે સુરત રેન્જ પોલીસનો નવતર પ્રયોગ
  • ગામની સમસ્યા સમજી ગ્રામજનોની મદદ માટે સુરત રેન્જ પોલીસ ગ્રામદૂત મૂકશે
  • માત્ર ગુનાખોરી અટકાવવા નહીં પરંતુ ગામની સમસ્યા પોલીસ જાતે રોકાઈને અનુભવશે – રેન્જ આઈ.જી.પાંડિયન
  • 500 ની વસ્તી હોય તેવું ગામ કોન્સ્ટેબલને દત્તક અપાશે, ઉત્તમ કામગીરી બદલ પોલીસકર્મીને સન્માનાશે

WatchGujarat. શહેરીકરણના કરાણે લોકોનું ધ્યાન હંમેશા તેની જ સમસ્યાઓ અને સુખાકારી પર રહેતું હોય છે. જેના કારણે ગામડાંની સમસ્યાઓ પર કોઈ ધ્યાન રહેતું નથી, અને તેનું નિરાકરણ લાવવામાં પણ કોઈ રસ દાખવતું નથી. ત્યારે શહેરીકરણની આંધળી દોટમાં ઉપેક્ષિત ગામડાંઓની સમસ્યા અને સુખાકારી માટે સુરત રેન્જ પોલીસે એક નવો પ્રયાસ હાથ ધર્યો છે. મળતી વિગતો મુજબ સુરત રેન્જ આઈ.જી. દ્વારા એક નવી યોજના અમલમાં મૂકાઈ છે. જે અંતર્ગત ગ્રામજનોની મદદ માટે સુરત રેન્જ પોલીસ ગ્રામદૂત મૂકશે.

આ અંગે મીડિયા સાથે વાત કરતાં સુરતના રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડ્યિને જણાવ્યું હતું કે, ગામડું એ આ દેશની જડ છે. ગામડામાં રહેલાં લોકો અનેક મુશ્કેલીનો સામનો કરીને દેશને સમૃદ્ધિ બક્ષી રહ્યા છે. તેમની તરફ કોઈને ધ્યાન જ જતું નથી. પહેલાં પોલીસ પટેલ નિમવામાં આવતાં હતા. જેઓ ગામના લોકોને તમામ રીતે મદદ થવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ બદલાતા સમય સાથે આ પ્રથા નાબૂદ થઈ છે. આ સંજોગોમાં પોલીસ ગામના લોકો માટે સંવેદનશીલ બની તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે. જેથી દક્ષિણ ગુજરાતના ગામોમાં ગ્રામદૂત યોજના શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગામમાં કેવી ગુનાખોરી છે અને ગામમાં ક્યા પ્રકારની સમસ્યા છે તે અરજદારો પાસેથી સાંભળવાને બદલે પોલીસ જાતે ત્યાં રોકાઈને અનુભવશે.

માત્ર ગુનાખોરી નહિ સમસ્યાઓ ઉકેલવાનો હેતુ – સુરતના રેન્જ આઈ.જી.

તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસ ત્યાં રોકાઈને ગુનાખોરીનું પ્રમાણ તો જાણશે જ, કુલ 33 પ્રકારના કામો પોલીસને સોંપવામાં આવ્યા છે. મુખ્ય કામ જોકે લોકોની તકલીફ નિવારવાનું છે. ગામમાં મહિલાઓ, યુવાઓ, વૃદ્ધોને શું તકલીફ પડી રહી છે કેવા પ્રકારની સમસ્યા છે તે જાણવા એક સૂચન પેટી પણ મૂકાશે. બીજા ડિપાર્ટમેન્ટની સમસ્યાનો ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરશે.

કેવી રીતે તૈયાર કરાઈ ગ્રામદૂત યોજના

ગામડામાં રહેતાં લોકોની સમસ્યા પોલીસ સમજી શકે તે માટે પોલીસ ત્યાં જાતે રાત્રિ રોકાણ કરીને જાણી શકે તે માટે ગ્રામદૂત યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં પોલીસ ગ્રામદૂત બની ગામની સમસ્યા નિવારવા માટે પ્રયાસ કરશે. મીડિયા અહેવાલ અનુસાર જેને પાંચ વર્ષ કરતાં વધુ સમય નોકરીને થયો હોય તેવા કોન્સ્ટેબલથી લઈને એ.એસ.આઈને પસંદ કરી તેમને ગ્રામદૂત તરીકે નિમણૂંક આપવામાં આવશે. પખવાડિયામાં એક દિવસ આઠ કલાકની નોકરી કરવાની સાથે એક રાત આ ગ્રામદૂતે જે ગામમાં રોકાવવાનું રહેશે. દક્ષિણ ગુજરાતમાં 2406 ગામો છે. એક ગામમાં 500 થી ઓછી વસ્તી હોય તો બે ગામ વચ્ચે એક ગ્રામદૂત રહેશે. લોકોની સમસ્યા જાણીને તેનો નિકાલ કરવા માટે પોલીસે પ્રયત્ન કરવાનો રહેશે.

મહત્વનું છે કે આ નવા પ્રયોગમાં ગામ લોકોની સમસ્યા જાણવા માટે અને આ પ્રયોગમાં કોઈ સુધારો કરવા માટે સુચન હોય તે પણ મેળવવા માટે જોગવાઈ કરી છે. આ માટે તમામ ગામમાં એક સુચન પેટી મુકવામાં આવશે. તેમાં કોઈપણ ગ્રામજન પોતાનું સુચન જણાવી શકશે. યોગ્ય સુચન પ્રમાણે આ વ્યવસ્થાની અંદર ફેરફાર પણ કરવામાં આવશે. એટલું જ નહીં ગ્રામદુત તરીકે જે પોલીસ કર્મચારીની કામગીરી નોંધનીય હશે તેને પણ પ્રોત્સાહિત કરવા માટેનું પ્રયોજન કરવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારી દ્વારા આવા પોલીસ કર્મચારીને નિયમિત સન્માનિત કરવા માટે પણ કાર્યક્રમ યોજાશે.

શહેરી કરણ વચ્ચે ગામડાંઓ ભૂલાઈ રહ્યા છે તે સાથે ગામના લોકોની સમસ્યા અને ત્યાં વકરેલી ગુનાખોરી પ્રત્યે પણ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. ત્યારે સુરત રેન્જ આઈ.જી. દ્વારા અમલમાં મૂકાયેલી આ નવી યોજના લોકો માટે ઘણી મદદરૂપ બની રહેશે.

Facebook Comments Box

Videos

Our Partners