- સુરત શહેરને ટેસ્કટાઈલ હબ ગણવામાં આવે છે
- જીએસટીનો નવો દર લાગુ કરાયાની જાહેરાત બાદ કાપડ વેપારીઓ નારાજ હતા અને સુરતમાં મોટું આંદોલન પણ કરવામાં આવ્યું
- અગાઉ વિવર્સ દ્વારા કાળી પટ્ટી બાંધી, કાળા વાવટા ફરકાવી તેમજ થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો
WatchGujarat. સરકાર કાપડ પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતાં વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો છે. આજે સુરત શહેરની તમામ કાપડ માર્કેટો જડબેસલાક બંધ જોવા મળી હતી. તેમજ કાળા વાવટા ફરકાવી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
સુરત શહેરને ટેસ્કટાઈલ હબ ગણવામાં આવે છે. પરંતુ જીએસટી લાગુ થયા બાદ કાપડ વેપારીઓ નારાજ હતા અને સુરતમાં મોટું આંદોલન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરી એક વખત વેપારીઓ નારાજ છે અને આંદોલનના મુડમાં જોવા મળી રહ્યા છે. 1 જન્યુઆરી 2022 થી કાપડ ઉઘોગ પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી રહ્યો છે. આ નિણર્યને લઈને કાપડ વેપારીઓ નારાજ છે અને સુરતમાં અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. એટલું જ નહી સરકાર સુધી વાત પહોચાડવા માટે નાણામંત્રીને પણ રજૂઆત કરાઈ હતી પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ નિર્ણય આવ્યો નથી. જેથી હવે સુરતમાં કાપડ વેપારીઓએ 1 દિવસ બંધ પાળી વિરોધ નોંધાવી રહ્યા છે. સુરતનો રીગરોડ વિસ્તાર કે જ્યાં પગ મુકવાની પણ જગ્યા ન હોય ત્યાં આજે કાગડા ફરકી રહ્યા હતા. તમામ માર્કેટ જડબેસલાક બંધ રહી હતી. તમામ વેપારીઓ આ બંધમાં જોડાયા હતા. વેપારીઓએ માર્કેટની બહાર કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો
આ વિરોધમાં ફોગવા અને વિવર્સ એસોસિએશન પણ જોડાયું હતું. ફોગવાના હોદેદારોની મીટીંગ પણ હતી અને તેમાં આ બંધમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. વિવર્સ દ્વારા કાળી પટ્ટી બાંધી, કાળા વાવટા ફરકાવી તેમજ થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બધા જ વિવર્સ 1 જન્યુઆરીના રોજથી 5 દિવસ માટે ગ્રે કાપડની ડીલવરી તથા યાર્નની ખરીદી બંધ રાખી વિરોધ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે કાપડ વેપારીઓના આ વિરોધના પગલે માર્કેટની બહાર પાર્સલોના ઢગલા જોવા મળ્યા હતા તેમજ કરોડો રૂપિયાનું નુકશાનનો પણ આ બંધને પગલે થવાની આંશકા છે.