- ભાગલ વિસ્તારમાં સોનાના ઘરેણા બનાવવાના કારખાના આવેલા હોવાથી બન્ને લોકો સોનાની રજ મળશે તેવી લાલચમાં ગટરમાં ઉતર્યા
- મૃતકોની બૂમાબૂમ સાંભળીને સ્થાનિકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો
- અંદર ગયા પછી તેઓ ગૂંગળાઈ જતા મોત થયા
WatchGujarat. સુરત શહેરના ભાગલ વિસ્તારમાં આજે વહેલી સવારે બે લોકોના ગટરમાં ગૂંગળાઈ જવાથી મોતની ઘટનામાં વળાંક આવ્યો છે. આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તેઓ ગટરની સફાઈ માટે નહીં પરંતુ અંદરથી સોનાની રજ (કચરો) શોધવા માટે ગટરમાં ઉતર્યા હતા. આ બન્ને શખ્સ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી છે કે નહિ તે હાલ માલુમ પડ્યું નથી. લોકોની બૂમો સાંભળીને વહેલી સવારે સ્થાનિકો જાગી ગયા હતા અને ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા બેભાન થયેલા બન્ને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેમનો જીવ બચી શક્યો ન હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે, ભાગલ વિસ્તારમાં અંબાજી મંદિરની બાજુમાં સોનાના ઘરેણા બનાવવાના કારખાના આવેલા હોવાથી બન્ને લોકો સોનાની રજ મળશે તેવી લાલચમાં ગટરમાં ઉતર્યા હતા જોકે, અંદર ગયા પછી તેઓ ગૂંગળાઈ જતા મોત થયા હતા. મૃતકોની બૂમાબૂમ સાંભળીને સ્થાનિકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને બચાવી શકાયા નહોતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં આગળ સોનાના ઘરેણા બનાવવાના કારખાના કે સોની કામ થતું હોય ત્યાંથી સોનાની રજ શોધવા માટે કચરો એકઠો કરીને તેમાંથી સોનું કાઢવાના પ્રયત્નો થતા હોય છે. આ ઘટનામાં પણ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, બે લોકો રાત્રે 1 વાગ્યાની આસપાસ ગટરમાંથી સોનાની રજ શોધવા માટે આવ્યા હતા. જેમાં એક વ્યક્તિ ગટરમાં ઉતર્યા બાદ અંદર ફસાઈ ગયો હતો, જે બાદ બીજો વ્યક્તિ પણ તેને બચાવવા માટે ગટરમાં ઉતર્યો હતો. અને તે પણ ફસાઈ ગયો હતો. ગટરમાં ફસાયેલા લોકોની બૂમો સાંભળીને સવારે ચાર વાગ્યાની આસપાસ સ્થાનિકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આમ કરવું શક્ય ના હોવાથી આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમે આ બન્નેને ગટરમાંથી બહાર કાઢ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે, બન્નેનું મોત થઈ ગયું હતું. ઘટના સામે આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આંગળી ચિંધાઈ રહી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે આ કોર્પોરેશનના સફાઈ કામદારો નહોતા પરંતુ સોનાની રજ શોધવા માટે ગટરમાં ઉતરેલા લોકો હતા.