• સુરત શહેરમાં હવે પાણીની સમસ્યા હલ કરવા માટે પાણી કમિટી દ્વારા એક ખાસ પહેલ હાથ ધરાઈ
  • પાણી કમિટી દ્વારા શહેરના દરેક ઝોનમાં નિયમિત મિટિંગો કરાશે, પાણીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી શકાશે
  • જે બાદ પાણી સંબંધિત તમામ પ્રશ્નોનો ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્નો હાથ ધરાશે

WatchGujarat. સુરત શહેરને હવે સ્માર્ટ સીટી તરીકે ડેવલપ કરવામાં આવી રહી છે. ત્યારે હવે સુરતવાસીઓ માટે વધુ એક મહત્વની પહેલ પાણી કમિટી દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત પાણી કમિટી દ્વારા દરેક ઝોનમાં નિયમિત મિટિંગો કરવામાં આવશે. મહત્વનું છે કે આ મિટિંગોમાં લોકોના પાણીને લગતા પ્રશ્નો જાણીને તેનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત મનપા દ્વારા શહેરના પાણી સંબંધિત જે પણ કોઈ પ્રશ્ન હોય તેનો આગામી દિવસોમાં ઝડપી નિરાકરણ લાવી દેવામાં આવશે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત આખા દેશમાં બીજા ક્રમે આવ્યું છે. તેમ છતાં સુરતવાસીઓને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિ હરકતમાં આવી છે. જેમાં પાણી સમિતિ દ્વારા આવકારદાયક પહેલ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અને ભાવિ આયોજનો અંગે સમીક્ષા કરવા માટે પાણી સમિતિ દ્વારા ઝોન પ્રમાણે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુરુવારે અથવા ઝોનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અથવા ઝોનના કોર્પોરેટરો સાથે એક મિટિંગ યોજવામાં આવી હતી. આ અંગે પાણી સમિતિના ચેરમેને મીડિયાને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પીવાના પાણી સંબંધિત તમામ પ્રશ્નો અને ભાવિ આયોજનો ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ પાણીના પ્રેશરને લઈને મળેલી કેટલીક રજૂઆતોને બેઠકમાં ચર્ચા હેઠળ આવરી લેવામાં આવી છે.

આ પહેલ અંતર્ગત આજે રાંદેર ઝોનમાં પાણી સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અઠવા ઝોન બાદ હવે શહેરના તમામ સાતે સાત ઝોનમાં આ માટે મીટિંગોનો દોર કરવામાં આવશે. આ મીટિંગ બાદ પીવાના પાણીની સમસ્યાઓ હોય તો જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો પાણી સમિતિને લેખિતમાં તેની સમસ્યા જણાવી શકે છે. આ બેઠકો ઉપરાંત પાણીના પ્રશ્નને નિવારવા માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપવામાં આવશે. ઉપરાંત નોંધનીય છે કે સુરત મનપા પાણી સમિતિની આ આવકારદાયક પહેલ શહેરમાં ઉભી થતી પાણીની સમસ્યાને દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud